સત્ય. સાહસ. સંકલ્પ.

રાની મુખર્જીએ કેદારનાથ અને બદ્રીનાથમાં શ્રાદ્ધ પૂજા કરી, માતાના નિધન પછી પ્રથમ તીર્થયાત્રા

રાની મુખર્જીએ કેદારનાથ અને બદ્રીનાથમાં શ્રાદ્ધ પૂજા કરી, માતાના નિધન પછી પ્રથમ તીર્થયાત્રા

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીએ ગુરુવારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લીધી. તેમણે બંને મંદિરોમાં દર્શન કરીને વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરી. શ્રાદ્ધ પક્ષના અવસર પર તેમણે પોતાના પૂર્વજોની સ્મૃતિમાં વિશેષ પૂજા કરાવી અને બાબા કેદારનાં આશીર્વાદ લીધા.

કેદારનાથમાં તીર્થ પુરોહિત હિમાંશુ તિવારીએ રાની પાસે પૂજા-અર્ચના કરાવી. આ દરમિયાન તેમણે ધામમાં ઘણો સમય વિતાવ્યો અને તીર્થ પુરોહિતો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું, 'બાબા કેદારની નગરી સ્વર્ગ સમાન છે અને અહીં પહોંચીને મનને શાંતિનો અનુભવ થાય છે.'

પૂજા દરમિયાન રાનીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યો અને યાત્રા વ્યવસ્થાઓ વિશે પણ માહિતી મેળવી. તીર્થ પુરોહિતના જણાવ્યા અનુસાર, એક્ટ્રેસ ધામના આધ્યાત્મિક વાતાવરણ અને હિમાલયની સુંદરતાથી ખૂબ પ્રભાવિત થઈ હતી. કેદારનાથ પહોંચ્યાના સમાચાર બાદ તેમના પ્રશંસકો અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કેદારનાથ બાદ રાની બદરીનાથ ધામ પહોંચ્યા. અહીં તેમણે ભગવાન બદરીવિશાલનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી અને દેશ-પ્રદેશની સુખ-સમૃદ્ધિ તથા શાંતિની કામના કરી. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સમિતિના અધિકારીઓએ તેમને બદરીવિશાલ અને બાબા કેદારનો પ્રસાદ અર્પણ કર્યો.

રાનીએ બંને ધામોના આધ્યાત્મિક અનુભવ અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરી. તેમણે કેદારનાથ અને બદ્રીનાથ ધામને ભવ્ય અને દિવ્ય સ્વરૂપ આપવા માટે કરવામાં આવી રહેલા કાર્યોની પણ પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીનું 22 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 75 વર્ષની વયે નિધન થયું હતું. યશરાજ ફિલ્મ્સ (YRF)એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. કૃષ્ણા મુખર્જી બંગાળી સિનેમાનાં જાણીતા પ્લેબેક સિંગર રહી ચૂક્યાં છે. તેઓ ઘણીવાર દીકરી રાની સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતાં હતાં.