મુંબઈમાં શનિવારે રાત્રે (26 સપ્ટેમ્બર) અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા. ફિલ્મ 'લવ એન્ડ વોર'ની રિલીઝ પહેલાં આ મુલાકાત થઈ હતી.
ચારેય કલાકારો પપારાઝી માટે પોઝ આપી રહ્યા હતા. ભણસાલી એક સમયે ફ્રેમમાંથી હટતા જણાયા, જેથી રણબીર, આલિયા અને વિકી એકસાથે પોઝ આપી શકે. પરંતુ રણબીરે ભણસાલીને તેમની સાથે જોડાવા કહ્યું, અને દિગ્દર્શક ગ્રુપ ફોટો માટે પાછા આવ્યા.
ફોટો સેશન પૂરું થયા પછી ટીમ ત્યાંથી જવા લાગી. તે સમયે એક ફોટોગ્રાફરે રણબીરને વારંવાર બોલાવીને આલિયા અને વિકી સાથે પોઝ આપવા માટે કહ્યું. આ સાંભળીને રણબીરે વળીને કહ્યું, 'તું બહુ બોલી રહ્યો છે, ખરું ને?' આ દરમિયાન તે આલિયાને ભીડથી બચાવવાનો પ્રયાસ કરતો પણ જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રણબીરે બ્લેક જીન્સ સાથે ઓલિવ-ગ્રીન શોર્ટ કુર્તો પહેર્યો હતો, જ્યારે આલિયા પીળા રંગના ઓટફિટમાં જોવા મળી. વિકીએ સફેદ શર્ટ અને કાળા ટ્રાઉઝર સાથે સાદો લુક રાખ્યો હતો. આ આઉટિંગ 'લવ એન્ડ વોર' માટે મહત્ત્વપૂર્ણ સમયે થયું છે, કારણ કે નિર્માતાઓએ આ જ અઠવાડિયે ફિલ્મના ત્રણ ફર્સ્ટ-લુક પોસ્ટર રિલીઝ કર્યા છે. શનિવારે રાત્રે આલિયા અને વિકીએ મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે બિગ બોસના 'વીકેન્ડ કા વાર'માં સલમાન ખાને પાપારાઝીની કાર્યશૈલી પર કડક વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગાડીઓમાંથી ઉતરતી કે બેસતી વખતે અભિનેત્રીઓના ખોટા એંગલથી ફોટો-વીડિયો લેવામાં આવે છે, જે કોઈ પણ મહિલા પસંદ કરતી નથી.
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત 'લવ એન્ડ વોર'માં સુપ્રિયા પાઠક પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ભણસાલી અને ઈલા બેદી દત્તાએ લખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાર્તા બે દૃઢનિશ્ચયી આર્મી ઓફિસર્સની આસપાસ ફરે છે, જેમની જિંદગી એક મહિલા સાથે જોડાય છે, જેનાથી એક ગૂંચવાયેલો લવ ટ્રાયેંગલ બને છે. 'લવ એન્ડ વોર' 21 જાન્યુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.