સંજય લીલા ભણસાલીની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માંથી રણબીર કપૂરનો પહેલો લુક સામે આવ્યો છે. મેકર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરીને આ લુક રિવીલ કર્યો છે. ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.
પોસ્ટરમાં રણબીર જાડી મૂછો, લોહીના ડાઘવાળી ટી-શર્ટ અને ગૉગલ્સમાં જોવા મળી રહ્યો છે. તેનો આ અંદાજ પાત્રના રફ અને મજબૂત સ્વભાવની ઝલક આપે છે. શર્ટ પરના લોહીના ડાઘ ફિલ્મની ડાર્ક અને એક્શનથી ભરપૂર કહાની તરફ ઇશારો કરે છે, જ્યારે ગૉગલ્સ તેના પાત્રને સ્ટાઇલિશ લુક આપી રહ્યા છે.
મેકર્સે પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘એ રુતબો, એ રુઆબ, એ જુનૂન! સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ 21 જાન્યુઆરી 2027ના રોજ. ફિલ્મમાં મળીએ!’
પોસ્ટરમાં રણબીરનો આ અવતાર તેના અગાઉના પાત્રોથી ઘણો અલગ નજરે પડી રહ્યો છે. ફિલ્મમાં રણબીર સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘લવ એન્ડ વૉર’ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, ‘લવ એન્ડ વૉર’ની રિલીઝ ડેટ અત્યાર સુધીમાં ઘણી વખત બદલાઈ ચૂકી છે. સૌપ્રથમ જાન્યુઆરી 2024માં તેની જાહેરાત કરવામાં આવી હતી અને ક્રિસમસ 2025 પર રિલીઝની યોજના હતી. મોટા પાયે શૂટિંગ અને પ્રોડક્શનમાં વધુ સમય લાગવાને કારણે રિલીઝ મુલતવી રાખવામાં આવી. ત્યારબાદ માર્ચ 2026 અને 14 ઑગસ્ટ 2026ની તારીખોની ચર્ચા થઈ. મોટા વીએફએક્સ અને હવાઈ એક્શન સીનના કારણે કામ નિર્ધારિત સમયમાં પૂરું ન થતાં આખરે 21 જાન્યુઆરી 2027ની તારીખ નક્કી કરવામાં આવી.
આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પહેલી વાર એકસાથે જોવા મળશે. રણબીર અને આલિયા અગાઉ પણ ભણસાલી સાથે કામ કરી ચૂક્યા છે. રણબીરે ભણસાલીના ડિરેક્શનમાં ‘સાંવરિયા’ (2007)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સાથે સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. આલિયાએ ભણસાલી સાથે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ (2022)માં કામ કર્યું હતું, જેના માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન મળ્યું હતું. વિકી કૌશલ ભણસાલી સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે.
અગાઉ ફિલ્મના સેટ પરથી સ્ટારકાસ્ટના લુક લીક થયા હતા, જેમાં રણબીર અને આલિયા ભણસાલી સાથે સીન અને પાત્રો વિશે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
જૂન 2026માં ફિલ્મના સેટ પર એક દુર્ઘટના બની હતી. 17 જૂને મુંબઈની ફિલ્મસિટી નજીક આવેલા રોયલ પંપ સ્ટુડિયોમાં 42 વર્ષીય કારપેન્ટર ચંદ્રધારી સિંહ યાદવનું કરંટ લાગવાથી મોત થયું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, અકસ્માત શોર્ટ સર્કિટને કારણે થયો હતો. આ ઘટના બાદ ભણસાલી પ્રોડક્શન્સે મૃતકના પરિવારને 40 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ વળતરની રકમ વધારીને 50 લાખ રૂપિયા કરવાની માંગ કરી હતી અને પરિવારનાં બાળકોના શિક્ષણ તથા મૃતકની પત્નીને રોજગાર આપવાની અપીલ કરી હતી. ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને અકસ્માતની તપાસ અને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી, તથા પરિવારને 1 કરોડ રૂપિયા વળતર આપવાની માંગ કરી હતી. સંગઠને સેટ પર સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.