નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ'ના બીજા ટ્રેલર લોન્ચની ઇવેન્ટ કર્નાટકના બેંગલુરુમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અભિનેતા રણબીર કપૂરે 'જય શ્રી રામ'ના નારા સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને કન્નડ ભાષામાં બોલીને ત્યાં હાજર લોકોનું સન્માન કર્યું.
રણબીરે સાઉથના સુપરસ્ટાર યશને 'યશ બોસ' કહીને સંબોધ્યો. ઇવેન્ટમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ અને ડિરેક્ટર નિતેશ તિવારી હાજર રહ્યા હતા.
રણબીર કપૂરે કન્નડમાં વાત કરી, ઓછું શીખવા બદલ માફી માંગી. ઇવેન્ટમાં જ્યારે રણબીર કપૂર સ્ટેજ પર પહોંચ્યો, ત્યારે તેણે 'જય શ્રી રામ' બોલીને પોતાના ભાષણની શરૂઆત કરી અને ત્યારબાદ કન્નડ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. થોડી કન્નડ બોલ્યા બાદ તેણે સ્મિત સાથે હાજર લોકો પાસે માફી પણ માંગી.
રણબીરે પોતાના અંદાજમાં કહ્યું કે, આ વખતે તે આટલી જ ભાષા શીખીને આવી શક્યો છે અને આગલી વખતે 'યશ બોસ' પાસેથી થોડી વધુ કન્નડ શીખીને આવશે.
'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવવા ઉપરાંત યશ ફિલ્મનો કૉ-પ્રોડ્યુસર પણ છે. યશે ચાહકોને એકજૂટ થવા કહ્યું. પોતાના સંબોધન દરમિયાન એક્ટર યશે લોકોને પરસ્પર ભેદભાવ ભૂલીને એકજૂટ થવાની અપીલ કરી. તેણે કહ્યું કે, 'જો આપણે 'ભાગલા પાડો અને રાજ કરો'ની જેમ એકબીજા સાથે જ લડતા રહીશું, તો દુનિયાનો ક્યારેય સામનો કરી શકીશું નહીં.'
યશે કન્નડભાષીઓ અને સમગ્ર દક્ષિણ ભારતના દર્શકોને 'રામાયણ' ફિલ્મનું સમર્થન કરવાનો આગ્રહ કરતાં કહ્યું કે, 'જ્યારે નીતિ યોગ્ય હોય, ત્યારે સૌએ સાથે ઊભા રહેવું જોઈએ.' ભારતીય સંસ્કૃતિમાં ભગવાન રામના મહત્ત્વ વિશે વાત કરતાં તેણે લોકોને આ પૌરાણિક ગાથા મોટા પડદા પર જોવાનો આગ્રહ કર્યો.
ટ્રેલરમાં સારા અને ખરાબ વચ્ચેના યુદ્ધની પૃષ્ઠભૂમિ પણ જણાવવામાં આવી છે. માતા સીતાને પુષ્પક વિમાનમાં રાવણ અને જટાયુનું યુદ્ધ જોતાં દર્શાવવામાં આવ્યાં. રામ (રણબીર કપૂર)નો સંવાદ સંભળાય છે, જેમાં તેઓ કહે છે- 'લંકાને ગમે તે રીતે શોધીને જ રહીશું.' રાવણે લંકા જીત્યા બાદનું દૃશ્ય. લંકા પર હુમલાના દૃશ્યમાં રાવણને અજેય બતાવવામાં આવ્યો છે. એક્ટર કુણાલ કપૂર દેવરાજ ઇન્દ્ર તરીકે પોતાના ઐરાવત પર સવાર જોવા મળી રહ્યા છે. યશ રાવણની ભૂમિકામાં દમદાર અને શક્તિશાળી દેખાય છે. રાવણ ઐરાવત પર પ્રહાર કરીને તેને જમીન પર પાડી દે છે. રામની ભૂમિકામાં રણબીર અને સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી.
નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 'રામાયણ' બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે. પહેલા ભાગમાં ભગવાન રામ અને રાવણની વાર્તાઓ અલગ-અલગ આગળ વધશે, જેના કારણે આ ભાગમાં બંનેનો સામનો નહીં થાય. જ્યારે, બંને વચ્ચે થનારા ઐતિહાસિક યુદ્ધના દૃશ્યો આવતા વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થનારા બીજા ભાગમાં બતાવવામાં આવશે.