બોલિવૂડના અગ્રણી અભિનેતા રણબીર કપૂર આજે 44 વર્ષના થયા છે. 2007માં આવેલી ફિલ્મ 'સાંવરિયા'થી કરિયર શરૂ કરનારા રણબીરે 'રોકસ્ટાર'માં દિલ તૂટવાનું દર્દ દર્શાવ્યું, 'બર્ફી'માં બોલ્યા વગર જ દર્શકોનાં દિલ જીતી લીધાં અને 'સંજુ'માં સંજય દત્તની ભૂમિકા નિભાવી. 'એનિમલ'થી બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા, તો વિવાદોમાં પણ ઘેરાયા. પડદા પાછળ માતા-પિતા વચ્ચેના તણાવભર્યા સંબંધો, પિતા ઋષિ કપૂરને ગુમાવવાનું દર્દ અને અંગત જીવનની ચડતી-પડતી પણ તેમની કહાનીનો મહત્વનો ભાગ રહ્યા છે. 19 વર્ષની કરિયરમાં 21 ફિલ્મો કરનારા રણબીર હવે 'રામાયણ'માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ અભિનેતા ઋષિ કપૂર અને નીતુ કપૂરના પુત્ર છે. શોમેન રાજ કપૂર તેમના દાદા હતા. પરિવારની ચાર પેઢીઓએ હિન્દી સિનેમામાં પોતાની છાપ ઉભી કરી હતી. રણબીર તમામ સુખ-સુવિધા વચ્ચે ઉછર્યા, પરંતુ તેમના પોતાના અંગત સંઘર્ષો પણ રહ્યા. તેમને 'નેઝલ ડેવિએટેડ સેપ્ટમ' નામની દુર્લભ બીમારી થઈ હતી, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેઓ ઝડપથી બોલવા લાગે છે.
રણબીરના બાળપણના કેટલાક કિસ્સા પણ ચર્ચિત છે. એકવાર બાથરૂમમાં લપસી પડવાને કારણે તેમના ચહેરા પર ઊંડો ઘા થયો હતો, જેનું નિશાન આજે પણ દેખાય છે. બાળપણમાં તેમણે પિતાનું આફ્ટર શેવ લોશન પી લીધું હતું, ત્યારે પરિવારે તાત્કાલિક ઊલટીઓ કરાવી હતી. માહિમની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં ભણતા રણબીરને એકવાર ક્લાસમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પ્રિન્સિપાલે આખા કોરિડોરમાં ફેરવી-ફેરવીને તમાચા માર્યા હતા. પિતા ઋષિ કપૂર મશહૂર અભિનેતા હોવાને કારણે ઘણીવાર તેમને સ્કૂલમાં બુલિંગનો શિકાર બનવું પડ્યું હતું. આ વાત તેમણે 'વ્હોટ વુમન વોન્ટ્સ' પોડકાસ્ટમાં શેર કરી હતી.
એક દિવસ રણબીર કપૂર બૂટ પહેરીને જ ઘરના મંદિરમાં ઘૂસી ગયા હતા. ઋષિ કપૂરે આ જોયું તો તેઓ એટલા ગુસ્સે થયા કે તેમણે રણબીરને જોરદાર તમાચો માર્યો હતો.
રણબીર બાળપણમાં સંજય દત્તના મોટા પ્રશંસક હતા. તેઓ પોતાના રૂમની કબાટમાં સંજય દત્તના ફોટા છુપાવીને રાખતા, જ્યારે તેમની બહેન રિદ્ધિમા પાસે સલમાન ખાનના ફોટા રહેતા. સંજોગની વાત એ છે કે આગળ જતાં રણબીરે સંજય દત્તની બાયોપિકમાં તેમનો રોલ ભજવ્યો, જે તેમની કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ થઈ.
રણબીરને બાળપણમાં પિતાની ફિલ્મો જોવી બહુ ગમતી, જ્યારે માતા નીતુ સિંહની ફિલ્મો જોવી અજીબ લાગતી હતી. પિતા દ્વારા ફિલ્મોમાં ભજવાયેલા અલગ-અલગ પાત્રો જોઈને જ રણબીરના મનમાં અભિનેતા બનવાનો વિચાર આવ્યો હતો.
બાબરી મસ્જિદના ધ્વંસ બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તે સમયે 1993માં સુભાષ ઘઈએ દૂરદર્શન માટે એકતાના સંદેશ સાથે 'પ્યાર કી ગંગા બહે' ગીત બનાવ્યું હતું. આ ગીતમાં તે સમયના દિગ્ગજ સિતારાઓ પોતાના પરિવાર અને બાળકો સાથે જોવા મળ્યા હતા. ત્યારે 11 વર્ષના રણબીર કપૂર પણ પિતા ઋષિ કપૂર સાથે એક સીનમાં નજરે પડ્યા હતા. તેમના ઉપરાંત બાળ કલાકારો તરીકે સોનમ કપૂર અને ટાઈગર શ્રોફ પણ દેખાયા હતા, જ્યારે મોટા કલાકારોમાં અનિલ કપૂર, સલમાન ખાન, ઋષિ કપૂર, આમિર ખાન, જેકી શ્રોફ, નસીરુદ્દીન શાહ, ગોવિંદા, ચિરંજીવી, રજનીકાંત અને મમૂટી જેવા દિગ્ગજો સામેલ હતા.
માતા-પિતા વચ્ચેના તણાવભર્યા સંબંધોની રણબીર પર ઊંડી નકારાત્મક અસર પડી હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ઘણી રાતો માતા-પિતાને ઝઘડતાં જોઈને સીડીઓ પર બેસીને વિતાવી હતી. રણબીરે નિખિલ કામથને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું: "ક્યારેક-ક્યારેક તેમની વચ્ચે ઝઘડા એટલા વધી જતા કે હું સીડીઓ પર બેસીને મારા ઘૂંટણ વચ્ચે માથું દાબીને રાત વિતાવતો."