સત્ય. સાહસ. સંકલ્પ.

રણબીરે આલિયાને પ્રપોઝ કરતી વખતે 100 ફૂટ દૂર હતા ત્રણ ડાલામથ્થા, કહ્યું 'મારી સિંહણ સામે હું ઉંદર'

રણબીરે આલિયાને પ્રપોઝ કરતી વખતે 100 ફૂટ દૂર હતા ત્રણ ડાલામથ્થા, કહ્યું 'મારી સિંહણ સામે હું ઉંદર'

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટને કેવી રીતે પ્રપોઝ કર્યું, તેની રોમાંચક વાત શેર કરી છે. આ પ્રસંગ તેમના માટે ખૂબ યાદગાર છે અને તેમણે તેને 'ડ્રીમ પ્રપોઝલ' ગણાવ્યું છે.

રણબીર કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ 'રામાયણ'ના પ્રમોશન માટે ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'માં પહોંચ્યા હતા. આ શોમાં તેમની સાથે ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવતી સાઉથ સ્ટાર સાઈ પલ્લવી અને લક્ષ્મણજીનું પાત્ર ભજવતા ટીવી સ્ટાર રવિ દૂબે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે.

પ્રોમોમાં શોના હોસ્ટ અમિતાભ બચ્ચને આફ્રિકાના મસાઈ મારા રાષ્ટ્રીય વન્યજીવ અભયારણ્ય વિશે વાત કરી હતી. તેમણે રણબીરને મસાઈ મારા સાથેના તેમના જોડાણ વિશે પૂછ્યું. જવાબમાં રણબીરે કહ્યું કે મસાઈ મારા તેમના માટે ખૂબ ખાસ છે, કારણ કે ત્યાં જ તેમણે આલિયાને પ્રપોઝ કર્યું હતું.

રણબીરે તેમના ડ્રીમ પ્રપોઝલની વાત કરતાં જણાવ્યું, 'મેં અગાઉથી જ મારા ગાઈડ અને ડ્રાઇવરને સૂચના આપી દીધી હતી કે તમે જંગલમાં વચ્ચે ક્યાંક ગાડી રોકી દેજો.' તેમણે ઉમેર્યું, 'હું ઘરેથી જ વીંટી લઈને આવ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે હું ઘૂંટણિયે બેસીશ અને તમે દૂરથી ફોટો ક્લિક કરજો, કારણ કે છોકરીઓને ફોટો પડાવવાનો શોખ હોય છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનો પણ. મેં વિચાર્યું કે આલિયા માટે આ ખૂબ જરૂરી છે.'

રણબીરે એ પણ જણાવ્યું કે આ પ્રપોઝલ જોખમી હતું. તેમણે કહ્યું, 'માહોલ એવો હતો કે ત્રણ ડાલામથ્થા અમારાથી માત્ર 100 ફૂટના અંતરે હતા. મારી સિંહણ (આલિયા) મારી સામે ઊભી હતી અને હું ઉંદર બનીને ઘૂંટણ પર બેસીને તેને પ્રપોઝ કરી રહ્યો હતો. મેં કહ્યું, 'બેબી, મારી સાથે લગ્ન કરીશ?'

પ્રપોઝલનો આ અનુભવ રણબીર માટે અદ્ભુત હતો. તેમણે કહ્યું, 'હું તેને હંમેશા યાદ રાખીશ.' આ સાંભળીને અમિતાભ બચ્ચન પણ ખૂબ પ્રભાવિત થયા હતા. સાથે જ સાઈ પલ્લવી, રવિ દૂબે અને ત્યાં હાજર પ્રેક્ષકોએ તેમની વાતને તાળીઓથી વધાવી લીધી હતી.

આ જ એપિસોડમાં રણબીરે જણાવ્યું કે દીકરી રાહાના જન્મ બાદ તેમની જિંદગીમાં ઘણા ફેરફાર થયા છે. તેમણે અમિતાભને કહ્યું, 'જ્યારથી મારી દીકરી રાહાનો જન્મ થયો છે, ત્યારથી અમારી એક પણ સવાર એવી નથી ગઈ કે જ્યારે અમે તમારા અવાજમાં હનુમાન ચાલીસા ન સાંભળી હોય.'

રણબીરે અમિતાભને પિતા સમાન ગણાવતાં કહ્યું, 'દુનિયામાં બે જ લોકો એવા છે જેમની સાથે હું આંખ મળાવીને વાત કરી શકતો નથી. એક મારા પિતા (દિવંગત અભિનેતા ઋષિ કપૂર) અને બીજા તમે સર. જ્યારે હું નાનો હતો અને 'અજૂબા' ફિલ્મના સેટ પર તમને જોયા ત્યારે તમારા ઓરાથી હું અંજાઈ ગયો હતો.'

રણબીર અને આલિયાએ એપ્રિલ 2022માં મુંબઈમાં તેમના ઘર 'વાસ્તુ'માં અંગત સમારંભમાં લગ્ન કર્યા હતા. તે જ વર્ષે 6 નવેમ્બરે આલિયાએ દીકરી રાહાને જન્મ આપ્યો હતો.

કામની વાત કરીએ તો રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' 5 નવેમ્બર 2026ના રોજ દિવાળી પર રિલીઝ થશે. 4000 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મનું અમેરિકામાં પ્રીમિયર યોજાયું હતું. આલિયા ભટ્ટની આ વર્ષે રિલીઝ થયેલી સ્પાય ફિલ્મ 'આલ્ફા' હિટ થઈ હતી. હવે રણબીર અને આલિયા વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળશે.