મુંબઈમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ બાદ શુક્રવારે ઘણા સેલિબ્રિટીઝે ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું. અભિનેતા રણબીર કપૂરે પત્ની આલિયા ભટ્ટ અને માતા નીતૂ કપૂર સાથે ગણેશ વિસર્જન કર્યું. આ દરમિયાન તેમની દીકરી રાહા માતા આલિયાના ખોળામાં સૂતેલી જોવા મળી હતી. વિસર્જન દરમિયાન રણબીરે પરિવાર સાથે 'ગણપતિ બાપ્પા મોરિયા' અને 'જય શ્રી રામ'ના જયકારા લગાવ્યા હતા.
પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાના મુંબઈ સ્થિત ઘરે ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. અભિનેતા ગોવિંદા તેમના દીકરા યશવર્ધન સાથે આરતીમાં પહોંચ્યા હતા. અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે હાજરી આપી હતી, જ્યારે આયુષ્માન ખુરાના, ચંકી પાંડે સહિત અનેક સેલિબ્રિટીઝે પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
બીજી તરફ, ગોવિંદાના પત્ની સુનીતા આહૂજાએ તેમના ભત્રીજા કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહના ઘરે યોજાયેલી ગણેશ આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સુનીતાએ કપિલ શર્મા સાથે તસવીરો પણ પડાવી હતી. કપિલ શર્મા પણ કૃષ્ણા અભિષેકના ઘરે ગણેશ આરતીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા સુધી સુનીતા અને કૃષ્ણાના પરિવાર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો, જે હવે દૂર થયો હોય તેવું જણાય છે.
અભિનેતા સોનુ સૂદે પણ પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કર્યું હતું.