સત્ય. સાહસ. સંકલ્પ.

રણબાલી ટ્રેલર રિલીઝ: વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાની ફિલ્મમાં અંગ્રેજી શાસન સામેનો સંઘર્ષ

રણબાલી ટ્રેલર રિલીઝ: વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાની ફિલ્મમાં અંગ્રેજી શાસન સામેનો સંઘર્ષ

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ 'રણબાલી'નું ટ્રેલર રિલીઝ થયું છે. ૩ મિનિટ ૫૬ સેકન્ડ લાંબા આ ટ્રેલરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાનની પૃષ્ઠભૂમિ દર્શાવવામાં આવી છે, જેમાં અંગ્રેજોના અત્યાચાર, દુષ્કાળની અસર હેઠળ ગ્રામજનોની દયનીય સ્થિતિ અને વિજય દેવરકોંડાના પાત્રનું આક્રમક સ્વરૂપ જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત એક મહિલાની દૃશ્યથી થાય છે, જે પ્રસવની પીડામાં પર્વત પર આવેલી ગુફા પાસે મદદ માગવા જાય છે. ત્યાં જ રણબાલી (વિજય દેવરકોંડા)નો જન્મ થાય છે. આ પ્રદેશમાં પહેલેથી જ ગરીબી વ્યાપ્ત છે અને દુષ્કાળ પડે છે. આ પરિસ્થિતિમાં અંગ્રેજો ત્રણ ટંક ભોજનની લાલચ આપીને ગ્રામજનો પાસે કઠોર મજૂરી કરાવે છે. હાડપિંજર સમાન બનેલા લોકો અંગ્રેજોની ક્રૂરતા સામે નિસહાય બની જાય છે, ત્યારે રણબાલી તેમને બચાવવા આગળ આવે છે. તે તમામ અવરોધોનો સામનો કરીને અંગ્રેજોને હરાવવા માટે પ્રતિબદ્ધ છે.

ટ્રેલરમાં રશ્મિકા મંદાનાના પાત્રની ઝલક પણ જોવા મળે છે. ફિલ્મમાં રશ્મિકા રણબાલીનાં પત્ની જાયમ્માની ભૂમિકા ભજવે છે, જેના પર વારસદાર આપવાનું દબાણ છે. ટ્રેલરમાં રશ્મિકા અને વિજય વચ્ચેની હળવી નોકઝોક દર્શકોને આકર્ષે તેવી છે.

જોકે, ટ્રેલરના કેટલાક દૃશ્યો હિંસક અને વિચલિત કરે તેવા છે. અંગ્રેજો દ્વારા કરવામાં આવતી હત્યાઓ અને હિંસાનું નિરૂપણ સંવેદનશીલ દર્શકો માટે અસ્વસ્થતા ઊભી કરી શકે છે.

રાહુલ સાંકૃત્યનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મને મૈથ્રી મૂવી મેકર્સના વાય. રવિ શંકર અને નવીન યરનેનીએ ટી-સિરીઝ સાથે મળીને નિર્માણ કરી છે. ફિલ્મમાં હોલીવુડ અભિનેતા અર્નોલ્ડ વોસલુ સહિત અનેક જાણીતા કલાકારો મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.

વિજય અને રશ્મિકાએ પ્રથમ વખત 'ગીતા ગોવિંદમ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને ૨૦૧૯માં રિલીઝ થયેલી 'ડિયર કોમરેડ'માં સાથે જોવા મળ્યાં હતાં. 'ડિયર કોમરેડ' બાદ ૭ વર્ષ પછી આ જોડી મોટા પડદે પરત ફરી રહી છે.