સત્ય. સાહસ. સંકલ્પ.

વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાની 'રણબાલી'નું ટ્રેલર રિલીઝ, 3 મિનિટ 56 સેકન્ડમાં અંગ્રેજી શાસનની ક્રૂરતા દર્શાવે

વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાની 'રણબાલી'નું ટ્રેલર રિલીઝ, 3 મિનિટ 56 સેકન્ડમાં અંગ્રેજી શાસનની ક્રૂરતા દર્શાવે

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'રણબાલી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને કોલોનિયલ શાસનના સમયગાળાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં એક બહાદુર યોદ્ધાની વાર્તા દર્શાવવામાં આવી છે. 3 મિનિટ 56 સેકન્ડ લાંબા આ ટ્રેલરમાં અંગ્રેજોની ક્રૂરતા, અત્યાચાર, દુષ્કાળ સમયે ગ્રામજનોની લાચારી અને વિજય દેવરકોંડાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત એક મહિલાથી થાય છે, જે પ્રસવ પીડામાં હોવા છતાં પર્વત પર આવેલી ગુફા પાસે મદદ માંગવા જાય છે. ત્યાં જન્મ થાય છે રણબાલી (વિજય દેવરકોંડા)નો. આખા પ્રદેશમાં લોકો પહેલેથી જ ગરીબીથી પીડિત છે, તેવામાં દુષ્કાળ પડે છે. આ સમયે અંગ્રેજો 3 ટાઇમ ભોજન આપવાની લાલચમાં ગ્રામજનો પાસે કાળી મજૂરી કરાવે છે. હાડપિંજર સમાન લોકો અંગ્રેજોની ક્રૂરતા સામે હારી જાય છે, ત્યારે તેમનો યોદ્ધા રણબાલી તેમને બચાવવા આવે છે. તે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ અંગ્રેજોને માત આપવા મક્કમ છે.

ટ્રેલરમાં રશ્મિકા મંદાનાના પાત્રની પણ ઝલક જોવા મળી છે. ફિલ્મમાં રશ્મિકા રણબાલીનાં પત્ની જાયમ્માની ભૂમિકામાં છે. જાયમ્મા પર રણબાલીનો વારસદાર આપવાનું દબાણ છે. જોકે, ટ્રેલરમાં રશ્મિકા અને વિજય વચ્ચેની ખાટી-મીઠી નોકઝોક હળવાશ ઉમેરે છે. ટ્રેલરના કેટલાક દ્રશ્યો વિચલિત કરી જાય તેવા છે. અંગ્રેજો દ્વારા ક્રૂરતાથી કરવામાં આવતી હત્યાઓ અને હિંસાનો ઉપયોગ વિચલિત કરે છે.

રાહુલ સાંકૃતિયનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રણબાલી' 16 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને માઇથ્રી મૂવી મેકર્સના કે વાઈ. રવિ શંકર અને નવીન યેરનેનીએ ટી-સિરીઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં હોલીવુડ એક્ટર અર્નોલ્ડ વોસ્લુ સહિતના ઘણા ઉત્તમ કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

વિજય અને રશ્મિકાએ 'ગીતા ગોવિંદમ' ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કર્યું હતું. બાદમાં બંને 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિયર કોમરેડ'માં સાથે જોવા મળ્યાં હતાં. 'ડિયર કોમરેડ' બાદ 7 વર્ષ પછી VIROSH મોટા પડદે પાછા દેખાશે.