સત્ય. સાહસ. સંકલ્પ.

ચંબલના ડાકુ પાનસિંહ તોમરના સંબંધી રામસિંહ તોમરની અમદાવાદ પોલીસ દ્વારા હરિયાણાથી ધરપકડ

ચંબલના ડાકુ પાનસિંહ તોમરના સંબંધી રામસિંહ તોમરની અમદાવાદ પોલીસ દ્વારા હરિયાણાથી ધરપકડ

મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના મુરેના જિલ્લાના લેપા ગામમાં 5 મે 2023ના રોજ થયેલી 6 લોકોની હત્યાના મુખ્ય આરોપી રામસિંહ ધીરસિંહ તોમરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરી છે. આરોપી ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરનો પારિવારિક સંબંધી હોવાનો દાવો કરે છે.

ઘટનાની વિગત મુજબ, લેપા ગામમાં રણજીતસિંહ તોમરના પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે પરિવારજનો એકત્ર થયા હતા. તે સમયે જ બીજા જૂથના રામસિંહ તોમર અને તેના સાથીઓએ બંદૂકો સાથે હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં રણજીતસિંહના પરિવારના ત્રણ પુરુષો - ગજેન્દ્રસિંહ બદલુસિંહ તોમર, તેમના પુત્રો સત્યપ્રકાશસિંહ અને સંજુસિંહ, તથા ત્રણ મહિલાઓ - મધુદેવી સુનિલસિંહ તોમર, બબલીદેવી નરેન્દ્રસિંહ તોમર અને કેશકલીદેવી વિરેન્દ્રસિંહ તોમરના મોત નીપજ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યાકાંડ 10 વર્ષ જૂના બદલાનું પરિણામ હતું. વર્ષ 2013માં જમીન વિવાદને લઈને રામસિંહના કાકા વિરભાણસિંહ અને શોભરણસિંહની રણજીતસિંહના પરિવાર દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે બદલો લેવા માટે રામસિંહ તેના ભાઈ સાથે 10 વર્ષથી તક શોધી રહ્યો હતો.

હત્યાકાંડ બાદ રામસિંહ ફરાર થઈ ગયો અને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં નકલી ઓળખ રાખીને સિક્યુરિટી ગાર્ડ અને મજૂર તરીકે કામ કરતો રહ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપી ગુરુગ્રામના ગોપાલપુર GIDC વિસ્તારના એક વેરહાઉસમાં કામ કરે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુરુગ્રામ પહોંચી, ગઢી-હરસરુ રોડ પર વોચ ગોઠવી અને વેશપલટો કરીને શ્રમિકના રૂપમાં આરોપીને ઝડપી લીધો.

આરોપી રામસિંહ વિરુદ્ધ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોરમી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. સિહોનિયા પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને 30,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ડાકુ પાનસિંહ તોમર પર 2012માં 'પાન સિંહ તોમર' નામની ફિલ્મ પણ બની છે. તે ભીડોસા ગામનો વતની હતો, જે લેપા ગામની નજીક આવેલું છે. બંને ગામો લેપા-ભિડોસા તરીકે ઓળખાય છે. પાનસિંહનો પણ ગામલોકો સાથે જમીન વિવાદ થયો હતો, જેને કારણે તે ડાકુ બન્યો હતો.