ઉત્તર પ્રદેશના રામપુરમાં 2007ના CRPF કેમ્પ હુમલાના આરોપી મોહમ્મદ શરીફની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. 10 નવેમ્બર 2026ના રોજ થયેલા આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શરીફને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
રામપુરના રહેવાસી મોહમ્મદ શરીફનું નામ 31 ડિસેમ્બર 2007 અને 1 જાન્યુઆરી 2008ની રાત્રે રામપુર સ્થિત CRPF ગ્રુપ સેન્ટર પર થયેલા આતંકી હુમલામાં સામે આવ્યું હતું. લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં CRPFના 7 જવાનો શહીદ થયા હતા, જ્યારે એક રિક્ષાચાલકનું પણ મોત થયું હતું. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે રામપુર કોર્ટે વર્ષ 2019માં મોહમ્મદ શરીફ સહિત 4 આરોપીઓને ફાંસીની સજા અને એકને આજીવન કેદની સજા ફટકારી હતી.
ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 29 ઓક્ટોબર 2025ના રોજ હાઈકોર્ટે તપાસમાં રહેલી ગંભીર ખામીઓને ધ્યાને રાખી મોહમ્મદ શરીફ સહિતના આરોપીઓને હત્યા, આતંકવાદ અને ષડયંત્રના આરોપોમાંથી બરી કરી દીધા હતા. જોકે, આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ મોહમ્મદ શરીફ નવેમ્બર 2025માં બરેલી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયો હતો.
હાઈકોર્ટના નિર્દોષ છોડવાના નિર્ણય સામે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 11 ફેબ્રુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી પર સુનાવણીની મંજૂરી આપીને આરોપીઓને નોટિસ પણ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ જેલમાંથી મુક્ત થયાના આશરે એક વર્ષ બાદ મોહમ્મદ શરીફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.