સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણના ટ્રેલર પર વિવાદ: ભારતમાં રામ, વિદેશમાં રાવણ, દર્શકોમાં ભેદભાવની ચર્ચા

રામાયણના ટ્રેલર પર વિવાદ: ભારતમાં રામ, વિદેશમાં રાવણ, દર્શકોમાં ભેદભાવની ચર્ચા

રણબીર કપૂર અને યશ સ્ટારર ફિલ્મ 'રામાયણ'ના ગુરુવારે બે અલગ-અલગ ટ્રેલર રિલીઝ થયા. ભારતીય દર્શકો માટે હિન્દી ટ્રેલર અને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે અંગ્રેજી ટ્રેલર રજૂ કરવામાં આવ્યું. બંને ટ્રેલરમાં સ્પષ્ટ તફાવત જોવા મળતાં દર્શકોમાં ભેદભાવની લાગણી ઉભી થઈ છે.

હિન્દી ટ્રેલરમાં ભગવાન રામની મહિમા, તેમનું અંગત જીવન અને વનવાસની ઝલક પર ભાર મૂકવામાં આવ્યો છે. 'રામ-રામ'નું રટણ સાંભળવા મળે છે. જ્યારે અંગ્રેજી ટ્રેલરમાં રાવણની ભવ્યતા અને તેના ગુણગાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હોલિવૂડ ફિલ્મોને ટક્કર આપે તેવા ગ્રાફિક્સ અને રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાવણ અને જટાયુ વચ્ચેના આકાશી યુદ્ધની ઝલક પણ અંગ્રેજી ટ્રેલરમાં દેખાડવામાં આવી છે, જ્યારે હિન્દી ટ્રેલરમાં પુષ્પક વિમાન અને જટાયુ તરફ રાવણ ભાલો ફેંકતો દેખાય છે.

વધુમાં, શ્રીરામને બે અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. હિન્દી ટ્રેલરમાં રામને મર્યાદાપુરુષોત્તમ ભગવાન તરીકે દર્શાવાયા છે, જ્યારે અંગ્રેજી ટ્રેલરમાં તેમને સામાન્ય માણસ તરીકે રજૂ કરાયા છે. આ તફાવતથી દર્શકો મૂંઝવણમાં છે.

ફિલ્મ નિર્માતાઓની વ્યૂહરચના સ્પષ્ટ છે: ભારતીય દર્શકોને ધાર્મિક ભાવનાઓ અને ભક્તિ દ્વારા આકર્ષવા, જ્યારે આંતરરાષ્ટ્રીય દર્શકોને ભવ્ય VFX અને સેટ્સથી રીઝવવા. આ ફિલ્મનું બજેટ ₹4,000 કરોડ છે.