રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'ના મુંબઈ સ્થિત સેટ પર આગ લાગવાની ઘટના બની છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
FWICEના પ્રમુખ બીએન તિવારીના જણાવ્યા અનુસાર, સ્ટુડિયોની બહાર લગાવવામાં આવેલા એક ટેન્ટમાં આગ લાગી હતી. સદનસીબે આગને તરત જ કાબૂમાં લઈ લેવામાં આવતાં તે વધુ ફેલાઈ નહોતી અને સેટ પર હાજર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
તિવારીએ જણાવ્યું કે, અગાઉ પણ પ્રોડ્યુસર્સને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તાકીદ કરવામાં આવી હતી. આ ઘટનાને બેદરકારી સામેની ચેતવણી ગણાવીને તેમણે ભવિષ્યમાં પૂરતી સાવચેતી રાખવા સૂચન કર્યું છે.
હાલમાં ફિલ્મ 'રામાયણ'ના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે. જોકે આગ લાગી તે સમયે અભિનેતા રણબીર કપૂર કે ડિરેક્ટર ત્યાં હાજર હતા કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટ વિગત મળી નથી.
અંદાજે 4,000 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મ ભારતમાં 8 નવેમ્બરે રિલીઝ થવાની છે, જ્યારે વિશ્વભરમાં તેને 5 અને 6 નવેમ્બર દરમિયાન રજૂ કરવામાં આવશે.