રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1' આ વર્ષે દિવાળીના અવસરે 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે માહિતી સામે આવી છે.
ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી ભારતમાં જિયો હોટસ્ટાર પર સ્પેશિયલ ઓન-ડિમાન્ડ ખરીદ ઓપ્શન દ્વારા જોઈ શકાશે. જિયો હોટસ્ટાર પર આ પહેલીવાર પે-પર-વ્યૂ (PPV) સુવિધા હેઠળ દર્શકો ફિલ્મ અલગથી ખરીદીને જોઈ શકશે.
જિયોસ્ટારના ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, 'રામાયણ ભારતની સૌથી મહાન સાંસ્કૃતિક ધરોહરોમાંની એક છે. આ એવી વાર્તા છે જેણે સદીઓથી આપણી ચેતનાને આકાર આપ્યો છે, આપણી કલ્પનાને પ્રેરણા આપી છે અને આપણા જીવનને દિશા આપી છે. જેમ જેમ ભારત વાર્તા કહેવાના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, અમારી પાસે પોતાની સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવાની અનોખી તક છે. જિયોહોટસ્ટારમાં અમારો ઉદ્દેશ્ય ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ વાર્તાઓ દરેક ભારતીય સુધી પહોંચાડવાનો છે, જેથી નવી પેઢી કર્તવ્ય, પ્રેમ, સાહસ અને સારપ જેવા આ મહાકાવ્યના શાશ્વત મૂલ્યોથી પરિચિત થઈ શકે.'
ફિલ્મમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત રવિ દુબે, સની દેઓલ, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ અને લારા દત્તા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ચૂક્યાં છે અને નિર્માતાઓ જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે.
નિતેશ તિવારીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જ્યારે નમિત મલ્હોત્રાએ નિર્માણ કર્યું છે. નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, 'મારું માનવું છે કે રામાયણનો અનુભવ સૌથી મોટી સ્ક્રીન પર, IMAX 3Dમાં થવો જોઈએ. પરંતુ દેશમાં સિનેમાઘરોનું માળખું હજી દરેક એવી વ્યક્તિ સુધી પહોંચી શકતું નથી, જેના દિલમાં આ મહાકાવ્ય માટે ખાસ સ્થાન છે. રામાયણ દરેક ભારતીયની છે અને આપણી મહત્વાકાંક્ષા પણ આ જ વિચારને પ્રતિબિંબિત કરવી જોઈએ. જિયોહોટસ્ટારે રમત અને મનોરંજન દ્વારા ટેકનોલોજીની તાકાતથી આખા દેશને જોડવાનું કામ વારંવાર કર્યું છે. તેથી જ તેઓ અમારા માટે સ્વાભાવિક ભાગીદાર બન્યા છે, જે થિયેટર રિલીઝ પછી રામાયણને લોકોના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે.'