સત્ય. સાહસ. સંકલ્પ.

'રામાયણ: પાર્ટ 1' ઓસ્કારની રેસમાં, 6 દિવસમાં 673.90 કરોડની કમાણી

'રામાયણ: પાર્ટ 1' ઓસ્કારની રેસમાં, 6 દિવસમાં 673.90 કરોડની કમાણી

રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'ના નિર્માતાઓએ 99મા ઓસ્કાર એવોર્ડ્સ માટે સત્તાવાર રીતે આવેદન કર્યું છે. મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને ઓસ્કારની ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે ભારતની અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, તેમ છતાં 'રામાયણ'ના નિર્માતાઓએ તેને જનરલ કેટેગરીમાં મોકલવાનો સ્વતંત્ર નિર્ણય લીધો છે.

ઓસ્કારના નિયમો અનુસાર, કોઈપણ દેશની સત્તાવાર એન્ટ્રી સિવાય પણ અન્ય ફિલ્મો જો નક્કી કરેલી શરતો પૂરી કરતી હોય તો ઓસ્કારમાં પ્રવેશ મેળવી શકે છે. આ માટે ફિલ્મે અમેરિકાના કેટલાક નક્કી કરેલા શહેરો (જેમ કે લોસ એન્જિલસ, ન્યૂયોર્ક, શિકાગો વગેરે)માં સતત સાત દિવસ સુધી થિયેટરોમાં દર્શાવવામાં આવેલી હોવી જરૂરી છે.

આ ફિલ્મ સાથે જોડાયેલી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) કંપની હોલીવુડની મોટી ફિલ્મો માટે કામ કરી ચૂકી છે અને તેણે 8 ઓસ્કાર એવોર્ડ્સ પણ જીત્યા છે. આ આંતરરાષ્ટ્રીય અનુભવના આધારે નિર્માતાઓએ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવવા માટે આ પગલું ભર્યું છે.

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝના પ્રથમ 6 દિવસમાં જ ભારતમાં રૂ. 403.95 કરોડ અને વિશ્વભરમાં રૂ. 673.90 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. બોક્સ ઓફિસ પર મળેલી આ સફળતા બાદ હવે 'રામાયણ' ઓસ્કારના મંચ પર ભારતનું નામ રોશન કરવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં પણ આ વર્ષે નવા નિયમોથી ભારતીય સિનેમાને લાભ થયો છે. નાગા ભાષાની ફિલ્મ 'અંગ'ને ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં એવોર્ડ મળવાને કારણે સીધી પાત્રતા મળી છે. આમ, 'ગોંધલ' ભારતની ઓફિશિયલ એન્ટ્રી છે, જ્યારે 'અંગ' અને 'રામાયણ' પણ ઓસ્કારની રેસમાં સામેલ થઈ છે.