સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણ પાર્ટ 1: રિલીઝ પહેલાં જ ₹73 કરોડની કમાણી, હાઈકોર્ટે ગેરકાયદે સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો

રામાયણ પાર્ટ 1: રિલીઝ પહેલાં જ ₹73 કરોડની કમાણી, હાઈકોર્ટે ગેરકાયદે સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો

રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'ને બોમ્બે હાઈકોર્ટે વચગાળાની કૉપિરાઇટ સુરક્ષા આપી છે. કોર્ટે અજાણ્યા લોકો, સંસ્થાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સને ફિલ્મનું પરવાનગી વિના રેકોર્ડિંગ, હોસ્ટિંગ અને સ્ટ્રીમિંગ કરવાથી રોક્યા છે. આ આદેશ ગૉડપાવર મીડિયા પ્રાઇવેટ લિમિટેડની અરજી પર આપવામાં આવ્યો છે.

ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝ પહેલાં જ તેની એડવાન્સ બુકિંગથી આશરે 73 કરોડ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે. સેકનિલ્કના રિપોર્ટ મુજબ, 3 નવેમ્બરે સવારે 8 વાગ્યા સુધીમાં ફિલ્મે એડવાન્સ બુકિંગથી 72.91 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. દેશભરમાં અલગ-અલગ ભાષાઓમાં 18.56 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે અને 59,822 શો માટે બુકિંગ થયું છે. આ બુકિંગ આશરે 700 શહેરોમાં ચાલુ છે.

ગૉડપાવર મીડિયાએ આનંદ એન્ડ નાઈક કાનૂની ફર્મ મારફતે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીએ જણાવ્યું કે, માત્ર આમંત્રિત લોકો માટે પ્રીવ્યૂ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું અને કડક ગોપનીયતા શરતો લાગુ હતી. તેમ છતાં ફિલ્મના બે ટ્રેલર ચોરીછૂપીથી રેકોર્ડ કરીને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત કરવામાં આવ્યા. આ મામલે 'જૉન ડો' ઉપરાંત આશરે 34 કંપનીઓ જવાબદાર પક્ષકારો છે.

કોર્ટને જણાવવામાં આવ્યું કે, ફિલ્મના પ્રથમ ભાગના નિર્માણમાં આશરે 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને બંને ભાગોનું કુલ બજેટ 4,000 કરોડ રૂપિયા છે. જજ માધવ જામદારની બેન્ચે આદેશમાં જણાવ્યું, “પ્રાથમિક દૃષ્ટિએ, વાદી ગૉડપાવરને વાસ્તવિક અને નક્કર આશંકા છે કે ફિલ્મ અથવા તેના કેટલાક ભાગોને રેકોર્ડ કરીને વિવિધ પ્લેટફોર્મ્સ પર અપલોડ, સ્ટ્રીમ અથવા જનતા સુધી પહોંચાડવામાં આવશે.”

કોર્ટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISP) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નિર્દેશ આપ્યો છે કે, ફિલ્મ સાથે જોડાયેલી વાંધાજનક લિંક્સ અને તેની નકલો ધરાવતી અન્ય વેબસાઇટ્સની માહિતી મળતાં જ તેમને બ્લૉક કરીને દૂર કરે. ગૂગલ એલએલસી અને વિશ્વભરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વતી હાજર થયેલા વકીલે કહ્યું કે, તેમને વચગાળાની રાહત આપવાના આદેશ સામે કોઈ વાંધો નથી અને વાંધાજનક લિંકની માહિતી મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરશે.

કોર્ટે ગૉડપાવરને કહ્યું છે કે, તે ફિલ્મ સાથે જોડાયેલી લિંક્સ (URL)ની માહિતી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સને આપે, ત્યારબાદ આ કંપનીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. કેસની આગામી સુનાવણી 16 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે અને ત્યાં સુધી વચગાળાનું રક્ષણ અમલમાં રહેશે.

ફિલ્મને હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે. હાલ હિન્દી વર્ઝનની બુકિંગ સૌથી આગળ છે, જ્યારે કન્નડ અને તેલુગુ વર્ઝન માટે પણ ટિકિટોની માંગ વધી રહી છે. ફિલ્મના 107 શો હાઉસફુલ થઈ ચૂક્યા છે, જેમાંથી 26 શોની તમામ સીટ વેચાઈ ચૂકી છે.