રણબીર કપૂર અભિનિત ફિલ્મ 'રામાયણ' હાલ ચર્ચામાં છે. ફિલ્મમાં શ્રીરામનો મુગટ, માતા સીતાનાં કુંડળ, લંકાપતિ રાવણનાં ઘરેણાં સહિતનાં આભૂષણો દર્શકોને આકર્ષી રહ્યાં છે. આ તમામ રાજસી ઠાઠવાળાં ઘરેણાં જયપુરમાં તૈયાર થયાં છે.
જયપુરની જ્વેલરી બ્રાન્ડ 'આમ્રપાલી'ને આ કામ સોંપાયું હતું. ફિલ્મ ટીમ લગભગ ત્રણ વર્ષ પહેલાં જયપુર પહોંચી હતી. બ્રાન્ડનાં ઉત્તરથી દક્ષિણ ભારતની શૈલીનાં શાહી ડિઝાઇનવાળાં કલેક્શન જોઈને ટીમ પ્રભાવિત થઈ અને ઓર્ડર આપી દીધો. રામ, સીતા, રાવણ સહિત તમામ પાત્રો માટે કુલ 4,500 આભૂષણોની જરૂર પડી.
આ ઓર્ડર પૂરો કરવામાં 18 મહિના લાગ્યા. 25 જ્વેલરી ડિઝાઇનરોએ પહેલાં રામાયણના દરેક પાત્રનું વ્યક્તિત્વ અને તેમની રાજશાહી સ્થિતિ સમજી. ત્યારબાદ તે કાળના ઇતિહાસ, મૂર્તિકલા, મંદિરકલા અને પરંપરાગત આભૂષણો પર સંશોધન કર્યું. ડિઝાઇનમાં વારંવાર ફેરફાર થયા. આખરે 150થી વધુ કારીગરોએ મળીને આ વિશાળ કલેક્શન તૈયાર કર્યું.
દરેક પાત્રનાં ઘરેણાંમાં તેમના પ્રદેશની સંસ્કૃતિ દેખાય છે. અયોધ્યાના રામ માટે રાજસી અને ક્ષત્રિય ભવ્યતા ધ્યાનમાં રાખવામાં આવી. મિથિલાનાં સીતા માટે સૌમ્યતા અને પરંપરાગત સુંદરતા પ્રધાન રહી. લંકાને સોનાની નગરી કહેવાય છે, તેથી રાવણનાં આભૂષણોમાં વધુ ચમક અને વૈભવ રાખવામાં આવ્યો.
રામ, સીતા અને લક્ષ્મણ મહેલમાં હોય ત્યારે તેમનાં ઘરેણાં ભારે અને રાજસી છે. પરંતુ વનવાસ દરમિયાન તેમનો દેખાવ બદલાય છે. વનવાસી જીવન વાસ્તવિક લાગે તે માટે તેમના માટે સોના-ચાંદીને બદલે લાકડાંનાં હળવાં ઘરેણાં બનાવવામાં આવ્યાં.
આ ઉપરાંત હનુમાનજી, બાલી, સુગ્રીવ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, રાજા દશરથ, માતા કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, રાજા જનક, ઊર્મિલા, માંડવી, શ્રુતિકીર્તિ, મંદોદરી અને શૂર્પણખા સુધીના પાત્રો માટે અલગ આભૂષણો બન્યાં. ભીડમાં દેખાતાં પાત્રો માટે પણ અલગ ઘરેણાં તૈયાર કરાયાં. તેનો હેતુ માત્ર સુંદરતા નહીં, પણ તે સમયની કળા દર્શાવવાનો હતો.
ફિલ્મમાં વપરાયેલાં મોટાભાગનાં આભૂષણો પિત્તળ અને બ્રાસ પર બન્યાં છે. જ્યાં જરૂર હતી ત્યાં સોના-ચાંદીની પરત ચઢાવવામાં આવી, જેથી તે અસલી જેવાં લાગે. આટલી મોટી સંખ્યામાં શુદ્ધ સોના-ચાંદીનાં ઘરેણાં બનાવવાં શક્ય નહોતું. તેમ છતાં બારીક નકશીકામ, રવેનું કામ અને પરંપરાગત કારીગરી પર પૂરું ધ્યાન આપવામાં આવ્યું છે. આ કલેક્શનનું નાણાકીય મૂલ્ય નક્કી કરવું સહેલું નથી.