સત્ય. સાહસ. સંકલ્પ.

'રામાયણ'ના ગીત 'મંગલ રંગ' પર વિવાદ: સૂફી-કવ્વાલી બીટ્સ અને પીઠી વિધિને લઈને ટીકા

'રામાયણ'ના ગીત 'મંગલ રંગ' પર વિવાદ: સૂફી-કવ્વાલી બીટ્સ અને પીઠી વિધિને લઈને ટીકા

બીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું નવું ગીત 'મંગલ રંગ' રવિવારે રિલીઝ થયું છે. એઆર રહેમાનના સંગીત સાથે આ ગીતને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિવાદમાં ઘેરાઈ ગયું છે. ગીતમાં કવ્વાલી અને સૂફી બીટ્સના ઉપયોગને લઈને લોકોએ સંગીતકાર એઆર રહેમાનની ટીકા કરી છે.

આ ઉપરાંત, ગીતના એક દૃશ્યમાં રામ-સીતા વિવાહ દરમિયાન દર્શાવવામાં આવેલી વિધિને પીઠી તરીકે બતાવવામાં આવતા પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે. જોકે, અહેવાલો અનુસાર તે પીઠી નહીં પરંતુ મિથિલાની ચુમાવણની પરંપરાગત વિધિ છે.

સોશિયલ મીડિયા યુઝર્સે ગીતની ધૂનને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે, વાલ્મીકિ રામાયણ પર આધારિત ફિલ્મમાં સૂફી અને કવ્વાલી શૈલીનું સંગીત ઉમેરવું સાંસ્કૃતિક સંશોધનનો અભાવ દર્શાવે છે. યુઝર્સનો તર્ક છે કે, આ પૌરાણિક મહાકાવ્યનાં ગીતોમાં બોલિવૂડ ફિલ્મો જેવી ધૂનને બદલે શુદ્ધ સંસ્કૃત અને પરંપરાગત સંગીતનો ઉપયોગ થવો જોઈએ હતો. એઆર રહેમાનનું સંગીત અપેક્ષાઓ મુજબ ન હોવાનું કહીને લોકો ગીત પર કમેન્ટ્સ કરી રહ્યા છે.

ગીતના એક દૃશ્યમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન રામ (રણબીર કપૂર)ને કેટલીક મહિલાઓ તિલક અને પીઠી લગાવી રહી છે અને પાછળ માતા સીતા (સાઇ પલ્લવી) ઊભાં છે. આ દૃશ્ય જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ દાવો કર્યો કે મેકર્સે લગ્ન પહેલાં થતી પીઠીની વિધિને ખોટી રીતે દર્શાવી છે. યૂઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે પરંપરાગત હિન્દુ લગ્નમાં વર અને કન્યા ક્યારેય એકસાથે પીઠીની વિધિમાં બેસતા નથી, તો પછી ફિલ્મમાં આવું શા માટે બતાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ વચ્ચે મીડિયા અહેવાલો અને જાણકારોએ સ્પષ્ટ કર્યું છે કે, આ દૃશ્ય પીઠીની વિધિનું નથી. હકીકતમાં, આ પૂર્વ ભારત અને મિથિલા ક્ષેત્રમાં લગ્ન દરમિયાન કરવામાં આવતી પરંપરાગત ચુમાવણ વિધિ છે. આ વિધિમાં કન્યા પક્ષની પાંચ સુહાગન મહિલાઓ દુર્વા, અક્ષત, હળદર અને દહીં લઈને વરના ચરણો, ઘૂંટણો, ખભા અને માથાને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે. આ જ વિધિ કન્યા માટે પણ અલગથી કરવામાં આવે છે. નિર્માતાઓએ આ સાંસ્કૃતિક વિધિને ગીતમાં દર્શાવી હતી, જેને દર્શકોએ ભૂલથી પીઠીની વિધિ સમજી લીધી.

'મંગલ રંગ' ગીત ભગવાન રામ અને માતા સીતાના પાવન વિવાહ તથા તેમના પ્રેમના સફરને દર્શાવે છે. તેમાં સીતા સ્વયંવર, ભગવાન રામ દ્વારા શિવધનુષ ઉઠાવવું, વિવાહના વચનો અને અયોધ્યામાં નવવિવાહિત યુગલના સ્વાગત જેવા દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થશે.