નિતેશ તિવારી દિગ્દર્શિત બહુપ્રતીક્ષિત ફિલ્મ 'રામાયણ: રાઇઝ ઓફ અ લેજેન્ડ' 5 નવેમ્બરે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, સાઈ પલ્લવી માતા સીતા તરીકે અને યશ રાવણના રોલમાં જોવા મળશે.
તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનો બીજો ટ્રેલર છ ભાષાઓમાં રિલીઝ કર્યો હતો. તેના એક દિવસ બાદ એક નવો બિહાઇન્ડ-ધ-સીન્સ (BTS) વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દિગ્દર્શક નિતેશ તિવારી, અભિનેતા રણબીર કપૂર અને નિર્માતા નમિત મલ્હોત્રા ફિલ્મ વિશે વાતચીત કરતા જોવા મળે છે.
આ BTS વીડિયોમાં સાઈ પલ્લવીને યોદ્ધા સીતા તરીકેની ભૂમિકામાં તલવારબાજી કરતી અને રાક્ષસી સેના સામે લડતી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત, યશને રાવણ તરીકે શિવ તાંડવ કરતા પણ જોવા મળે છે. વીડિયોમાં રણબીર કપૂરને ભગવાન રામના રૂપમાં સૂર્યોદય સમયે પહાડ પર ઊભેલા અને રાક્ષસી સેનાનો સંહાર કરતા દર્શાવવામાં આવ્યા છે.
ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાની કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને તે વિશ્વભરમાં IMAX અને પ્રીમિયમ લાર્જ ફોર્મેટમાં રિલીઝ થશે. ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.