સત્ય. સાહસ. સંકલ્પ.

રાષ્ટ્રપતિ ભવનમાં 'રામાયણ'ના સ્ક્રીનિંગની ચર્ચા, નિર્માતાઓ મંજૂરી મેળવવામાં વ્યસ્ત

રાષ્ટ્રપતિ ભવનમાં 'રામાયણ'ના સ્ક્રીનિંગની ચર્ચા, નિર્માતાઓ મંજૂરી મેળવવામાં વ્યસ્ત

ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1' આવતી 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ જ દિવસે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય નેતાઓ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજાઈ શકે છે. મિડ-ડેના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, નિર્માતાઓ આ ખાસ સ્ક્રીનિંગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હજી સુધી કાર્યક્રમની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અહેવાલ પ્રમાણે, સ્ક્રીનિંગમાં અભિનેતા રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી સામેલ થઈ શકે છે. આ ઉપરાંત, નિર્માતાઓ ફિલ્મના બે પ્રીમિયર યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમાંથી એક મુંબઈ અને બીજું દિલ્હી ખાતે યોજાઈ શકે છે. મુંબઈમાં પ્રીમિયર માટે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું નામ સામે આવ્યું છે.

તાજેતરમાં રણબીર કપૂરનું એક પોસ્ટર સામે આવ્યું, જેમાં તે પુત્રનું કર્તવ્ય નિભાવતાં પોતાના પિતાની અસ્થિઓનું વિસર્જન કરતા જોવા મળી રહ્યા છે.

નોંધનીય છે કે, ફિલ્મ 'રામાયણ'ના પહેલા ભાગનું ટ્રેલર 30 જુલાઈના રોજ સવારે 4:15 વાગ્યે બ્રહ્મ મુહૂર્તના શુભ અવસરે દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. 'રામાયણ'નું ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં એકસાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ટ્રેલરમાં શાંત, તેજસ્વી અને મર્યાદા પુરુષોત્તમની છબીમાં રણબીર કપૂરનો લુક પ્રભાવશાળી દેખાયો હતો. ભગવાન રામ પ્રત્યે સમર્પિત લક્ષ્મણની ભૂમિકામાં રવિ દુબેનો લુક દમદાર દેખાયો હતો. માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવીના લુકમાં સાદગી અને શાલીનતા નજરે પડી રહી હતી. દમદાર સ્ક્રીન પ્રેઝન્સ અને ખતરનાક અંદાજમાં યશનો રાવણ સૌથી વધુ ચર્ચામાં હતો. ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ સાથે અરુણ ગોવિલનો દશરથનો રોલ પ્રભાવશાળી લાગ્યો હતો. ફિલ્મમાં લારા દત્તા કૈકેયીના પાત્રમાં જોવા મળશે, જ્યારે રકુલ પ્રીત સિંહ રાવણની બહેન શૂર્પણખાનું પાત્ર ભજવી રહી છે.

ફિલ્મ 'રામાયણ'નું પહેલું ગીત 'જય જય રામ' 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ ચતુર્થીના અવસરે રિલીઝ થયું હતું. ગીતને શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. તેનું સંગીત એ.આર. રહેમાને કમ્પોઝ, પ્રોડ્યુસ અને અરેન્જ કર્યું છે. ગીતના લિરિક્સ ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે. આ ફિલ્મના સંગીત પર એ.આર. રહેમાન સાથે હોલિવૂડના મ્યુઝિક કમ્પોઝર હાન્સ ઝિમર પણ કામ કરી રહ્યા છે.

ગીતના વીડિયોમાં સાઈ પલ્લવી સીતાના રૂપમાં ભગવાન રામ (રણબીર કપૂર)ને વરમાળા પહેરાવતી જોવા મળી હતી. રણબીર કપૂર રામના રૂપમાં ઝરણા પાસે હાથ જોડીને અને ધનુષ સાથે પણ જોવા મળ્યા હતા. ગીતના વીડિયોમાં સાઈ પલ્લવી (સીતા) અને રવિ દુબે લક્ષ્મણના રૂપમાં ભગવાન રામ (રણબીર કપૂર)ની આરતી કરતા જોવા મળ્યા હતા.

'જય જય રામ'ના વિઝ્યુઅલ્સમાં સિયા-રામના દિવ્ય સંબંધને દર્શાવવામાં આવ્યો હતો. ગીતમાં ભગવાન રામ અને સીતાના ભવ્ય લગ્નને પણ દર્શાવવામાં આવ્યા છે. ગીતમાં ભક્તિ અને આધ્યાત્મિક ભાવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ગીતમાં 'જય જય રામ'નું વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું છે, જે તેને મંત્રની જેમ રજૂ કરે છે. લિરિક્સમાં ભગવાન રામ પ્રત્યે ભક્તની આસ્થા, વિશ્વાસ અને તેમની શરણમાં જવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીતની એક પંક્તિ 'જગતના અંધકારો, અમને ઘેરી વળ્યા છે' જીવનના અંધકાર વચ્ચે પ્રકાશની શોધને દર્શાવે છે. ગીતમાં 'અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમ્' જેવા પરંપરાગત શ્લોકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી રામાયણની ઐતિહાસિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને આધુનિક સંગીત સાથે જોડવામાં આવી છે.