બીર કપૂર અભિનિત ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'એ બોક્સ ઑફિસ પર ઈતિહાસ રચી દીધો છે. રિલીઝના માત્ર 8 દિવસમાં દુનિયાભરમાં ₹1,033.55 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે 9 દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન ₹1,110 કરોડ થઈ ગયું છે.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સૌથી ઝડપથી ₹1,000 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મોમાં ત્રીજા ક્રમે છે. રણવીર સિંહની 'ધુરંધર 2' અને અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'એ આ આંકડો 7 દિવસમાં પાર કર્યો હતો.
'રામાયણ: પાર્ટ 1'એ શાહરુખ ખાનની 'પઠાન'ને પાછળ છોડી દીધી છે, જેનું ઑલટાઈમ કલેક્શન ₹1,055 કરોડ હતું. હવે તે ધુરંધર અને જવાનની નજીક પહોંચી ગઈ છે.
ફિલ્મે ભારતમાં ₹612 કરોડનું નેટ અને ₹732 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશમાંથી ₹378 કરોડની કમાણી થઈ છે. વર્લ્ડવાઇડ કમાણીમાં આશરે 65% હિસ્સો ભારતનો અને 35% વિદેશી બજારોનો છે.
આ ફિલ્મ 2026ની બીજી સૌથી વધુ ગ્રોસ કલેક્શન કરનારી હિન્દી ફિલ્મ બની છે અને તેણે દૃશ્યમ 3, જેલર 2 અને હનુમાન અંશના ઓલ ટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધા છે.
હિન્દી સિનેમાના ઇતિહાસમાં તે 5ઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. હાલમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ 'દંગલ'ના નામે છે, જેણે ₹2,054 કરોડનું ઓલટાઇમ કલેક્શન કર્યું હતું. ભારતીય ફિલ્મોની યાદીમાં 'રામાયણ: પાર્ટ 1' 11મા ક્રમે છે અને ટૂંક સમયમાં ટોપ-10માં સામેલ થવાની ધારણા છે.
ફિલ્મ અને ટ્રેડ એક્સપર્ટ સુમિત કડેલે જણાવ્યું કે, 'ફિલ્મ હિટ કે ફ્લોપ તેના ડિસ્ટ્રિબ્યુટર શેર પરથી નક્કી થાય છે. નિર્માતાઓએ હાઈકોર્ટમાં જણાવ્યું છે કે ફિલ્મનું સત્તાવાર બજેટ ₹2,000 કરોડ છે. તે મુજબ, હિટ થવા માટે હિન્દીમાં ઓછામાં ઓછા ₹1,100 કરોડ અને વિશ્વભરમાં ₹2,800 કરોડ કમાવવા પડશે.'
'રામાયણ' ₹1,000 કરોડથી વધુ કમાણી કરનારી 10મી ભારતીય ફિલ્મ બની છે. આ પહેલાં 'દંગલ', 'બાહુબલી 2', 'પુષ્પા 2', 'ધુરંધર 2' અને 'જવાન' સહિતની નવ ફિલ્મોએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. રણબીર કપૂરની કારકિર્દીની આ પહેલી ₹1,000 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મ છે; અગાઉ તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'એનિમલ' હતી, જેણે ₹917 કરોડ કમાયા હતા.