સત્ય. સાહસ. સંકલ્પ.

‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી: 10 દિવસમાં ₹1,228 કરોડ, વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની

‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી: 10 દિવસમાં ₹1,228 કરોડ, વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની

મુંબઈ: ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’એ રિલીઝના પહેલા 10 દિવસમાં દુનિયાભરમાં ₹1,228 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ રકમમાં ભારતમાંથી મળેલા ₹819.50 કરોડનો સમાવેશ થાય છે. આ સાથે ફિલ્મ આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પહેલા ક્રમે ‘ધુરંધર-2’ છે, જેણે ₹1,839 કરોડની કમાણી કરી છે.

ભારતીય ફિલ્મોની સૌથી વધુ કમાણી કરનારી યાદીમાં ‘રામાયણ’ હવે સાતમા ક્રમે પહોંચી ગઈ છે. તેણે શાહરુખ ખાનની ‘જવાન’ (₹1,160 કરોડ) અને યશની ‘KGF 2’ (₹1,215 કરોડ)ને પાછળ છોડી દીધી છે.

દસમા દિવસે ફિલ્મની કમાણીમાં 51.6%નો ઉછાળો જોવા મળ્યો. બીજા શુક્રવારે ફિલ્મે ₹48.10 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જે શનિવારે વધીને ₹72.90 કરોડ થઈ ગયું. એટલે કે એક જ દિવસમાં કમાણી ₹24.80 કરોડ વધી.

‘રામાયણ’ પહેલા જ વીકએન્ડમાં આ વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની ચૂકી હતી. તેણે ‘દૃશ્યમ 3’, ‘જેલર 2’ અને ‘હનુમાન’ના ઓલ ટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.

આ રણબીર કપૂરના કરિયરની પહેલી ફિલ્મ છે, જેણે દુનિયાભરમાં ₹1,000 કરોડનો આંકડો પાર કર્યો છે. અગાઉ તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘એનિમલ’ હતી, જેણે બોક્સ ઑફિસ પર ₹917 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મ અને ટ્રેડ નિષ્ણાત સુમિત કડેલે જણાવ્યું કે ફિલ્મ હિટ છે કે ફ્લોપ, તે તેના ડિસ્ટ્રિબ્યુટર શેર પરથી નક્કી થાય છે. મેકર્સે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે ફિલ્મનું સત્તાવાર બજેટ ₹2,000 કરોડ છે. તે મુજબ, ફિલ્મને હિટ થવા માટે હિન્દીમાં ઓછામાં ઓછા ₹1,100 કરોડ અને વિશ્વભરમાં ₹2,800 કરોડનું કલેક્શન કરવું પડશે. જ્યાં સુધી ફિલ્મ આટલી કમાણી નહીં કરે, ત્યાં સુધી તેને હિટ ગણી શકાય નહીં.