સત્ય. સાહસ. સંકલ્પ.

‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી: 10 દિવસમાં ₹1,228 કરોડ

‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી: 10 દિવસમાં ₹1,228 કરોડ

મુંબઈ: ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’એ રિલીઝના પહેલા 10 દિવસમાં દુનિયાભરમાં ₹1,228 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જેમાં ભારતમાંથી એકલા ₹819.50 કરોડની કમાણી થઈ છે. આ સાથે જ આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પહેલા નંબર પર ‘ધુરંધર-2’ છે, જેણે ₹1,839 કરોડની કમાણી કરી છે.

આ ઉપરાંત, સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં ‘રામાયણ’ સાતમા ક્રમે પહોંચી છે. તેણે શાહરુખ ખાનની ‘જવાન’ (₹1,160 કરોડ) અને યશની ‘KGF 2’ (₹1,215 કરોડ)ને પાછળ છોડી દીધી છે.

ફિલ્મની કમાણીમાં 10મા દિવસે મોટો ઉછાળો જોવા મળ્યો છે. બીજા શુક્રવારે ફિલ્મે ₹48.10 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જે શનિવારે વધીને ₹72.90 કરોડ થઈ ગયું. એટલે કે એક જ દિવસમાં ફિલ્મની કમાણી ₹24.80 કરોડ વધી ગઈ.

‘રામાયણ’ પહેલા જ વીકએન્ડમાં આ વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની ચૂકી હતી. તેણે ‘દૃશ્યમ 3’, ‘જેલર 2’ અને ‘હનુમાન’ જેવી ફિલ્મોના ઓલ ટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.

આ ફિલ્મ રણબીર કપૂરના કરિયરની પહેલી એવી ફિલ્મ છે, જેણે દુનિયાભરમાં ₹1,000 કરોડનો આંકડો પાર કર્યો છે. આ પહેલાં રણબીરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘એનિમલ’નો સમાવેશ થતો હતો. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹917 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મ અને ટ્રેડ નિષ્ણાત સુમિત કડેલે જણાવ્યું કે, “ફિલ્મ હિટ છે કે ફ્લોપ, તે તેના ડિસ્ટ્રિબ્યુટર શેર પરથી નક્કી થાય છે. મેકર્સે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે ફિલ્મનું સત્તાવાર બજેટ ₹2,000 કરોડ છે. તે મુજબ, ફિલ્મને હિટ થવા માટે હિન્દીમાં ઓછામાં ઓછા ₹1,100 કરોડની કમાણી કરવી પડશે અને વિશ્વભરમાં ₹2,800 કરોડનું કલેક્શન કરવું પડશે. જ્યાં સુધી ફિલ્મ આટલી કમાણી નહીં કરે, ત્યાં સુધી તેને હિટ કહી શકાય નહીં.”