સત્ય. સાહસ. સંકલ્પ.

રામ મંદિર દાન ચોરી: અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે ₹1 કરોડથી વધુની ચોરી કરી, ચાર્જશીટમાં ખુલાસો

રામ મંદિર દાન ચોરી: અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે ₹1 કરોડથી વધુની ચોરી કરી, ચાર્જશીટમાં ખુલાસો

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલામાં પોલીસ ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. આરોપી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે ₹1 કરોડથી વધુની ચોરી કરી હોવાનું ચાર્જશીટમાં નોંધાયું છે. તે 2024માં રામ મંદિર ટ્રસ્ટના કાર્યકર તરીકે ગણતરીના કામમાં જોડાયો હતો. ત્યારબાદ 2025માં ટ્રસ્ટ અને SBI વચ્ચે ગણતરી ખંડની વ્યવસ્થા અને રકમ બેન્કમાં જમા કરાવવાના કરાર બાદ, બેન્ક દ્વારા નિમાયેલી એજન્સી સેનિક સિક્યોરિટી સર્વિસના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.

પોલીસની ચાર્જશીટ મુજબ, અનુકલ્પ મિશ્રા પાસેથી મળેલી ચલ-અચલ સંપત્તિની કિંમત એક કરોડથી થોડી ઓછી છે. પરંતુ તેણે છેલ્લા બે વર્ષમાં કેટલી રકમ ખર્ચી નાખી, તે સ્પષ્ટ નથી. અનુમાન છે કે તેણે એક કરોડથી વધુની ચોરી કરી છે. પોલીસે એકઠા કરેલા પુરાવા પ્રમાણે, તેણે કૌશલપુરી કોલોનીમાં પોતાના પિતા રવીન્દ્ર મિશ્રાના નામે મકાન ખરીદ્યું હતું. આ મકાનની રજિસ્ટ્રી વંદના દ્વિવેદી પાસેથી કરાવી હતી, જેની કિંમત લગભગ ₹55 લાખ હતી. આરોપીએ આ રકમ બે હપ્તામાં ચૂકવી હતી. પહેલાં ₹29.5 લાખ બેન્ક મારફતે ટ્રાન્સફર કર્યા હતા અને પછી ₹25 લાખ રોકડમાં ચૂકવ્યા હતા. વંદના દ્વિવેદીએ સોગંદનામા મારફતે નિવેદન નોંધાવ્યું છે, જે મુજબ ₹50,000 હજુ બાકી છે.

રામ મંદિરમાં કુલ કેટલી ચોરી થઈ, તેનો હિસાબ ન તો પોલીસ પાસે છે કે ન તો ટ્રસ્ટ પાસે. રાજ્ય સરકારે રચેલી SIT પણ ચોરીની કુલ રકમ અને તે ક્યારથી ચાલી રહી હતી, તેની વિગતો એકઠી કરી શકી નથી.

અનુકલ્પ મિશ્રાની રહેણીકહેણીમાં અચાનક બદલાવ આવ્યો હતો. ગામમાં ચર્ચા થતી હતી, પણ કોઈને અંદાજ નહોતો. કહેવાય છે કે રામ મંદિર સાથે જોડાયા પછી તે ગામમાં પોતાનો રોફ જમાવવા માટે પુષ્કળ પૈસા ઉડાવતો હતો અને યુવાનોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતો હતો. માહિતી પ્રમાણે, તેણે ગામમાં રામકથાનું ભવ્ય આયોજન કર્યું હતું અને રામ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સંતો તથા જનપ્રતિનિધિઓને પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. તેણે ગામની મહિલાઓને સાડીઓ પણ વહેંચી હતી.