અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 3 અને 4 જૂનની ચોરીની ઘટનાઓ, 8 આરોપીઓ અને મોટી રકમ જપ્ત કરવાની વિગતો સામે આવી છે. તેમજ ચંપત રાય અને અનિલ મિશ્રા સહિતના અધિકારીઓને ક્લીન ચિટ આપવામાં આવી છે.
પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આ કેસમાં ક્લીન ચિટ આપી છે. તેમને આરોપી બનાવવાને બદલે મહત્ત્વના સાક્ષી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચાર્જશીટ મુજબ, 3 જૂને અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, અનુકલ્પ મિશ્રા અને લવ કુશ મિશ્રાને ચોરી કરતા પકડવામાં આવ્યા હતા. દાન ગણનાર કર્મચારી મદન ગોપાલ નિગમે તેમને નોટોના બંડલ છુપાવતા જોયા હતા. બીજા દિવસે 4 જૂને અવિનાશ શુક્લાને સંત પ્રસાદ વર્માએ ચોરી કરતા પકડ્યો હતો. ચેકિંગ દરમિયાન 2,25,000 રૂપિયા બાથરૂમમાંથી મળી આવ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, 4 જૂનની રાત્રે દિલ્હીથી ટ્રેનમાં અયોધ્યા આવી રહેલા ચંપત રાયને ચોરીની જાણકારી અને વીડિયો મોકલવામાં આવ્યા હતા. 5 જૂને અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે કારસેવકપુરમ સ્થિત આવાસે બેઠક યોજી, જેમાં લેપટોપ પર સીસીટીવી ફૂટેજ દેખાડવામાં આવ્યા હતા. તેમ છતાં 7 જૂને ચંપત રાયે ટ્રસ્ટના આંતરિક ઓડિટ અંગે નિવેદન જારી કર્યું હતું.
તપાસમાં સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના કારનામા સામે આવ્યા છે. અવિનાશ શુક્લા 85 વાર ચોરી કરતો અને 4 વાર મદદ કરતો નજરે પડ્યો છે. મનીષ યાદવે 15 એપ્રિલ, 2026થી 3 જૂન, 2026 વચ્ચેના 50 દિવસમાં 16 વાર ચોરી કરી અને 19 વાર મદદ કરી હતી. અન્ય આરોપીઓ પણ આ સિન્ડિકેટમાં સામેલ હતા.
ચાર્જશીટમાં એક ચોંકાવનારી વિગત એ છે કે નિવૃત્ત બેંક કર્મચારી સુભાષ શ્રીવાસ્તવ પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા. તેઓ 7 જાન્યુઆરી, 2022ના રોજ નિવૃત્ત થયા હતા અને દાનપેટીમાંથી મળતું દાન બેંકમાં જમા કરાવવાની જવાબદારી તેમની હતી. વધુ રકમ ચોરવાના લાલચે તેમણે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા આરોપીઓની ચેકિંગ ન થાય તે માટે સાથ આપ્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં પકડાયેલા 7 આરોપીઓ પાસેથી કુલ 79,85,493 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કેસના તમામ 8 આરોપીઓના બેંક ખાતામાં કુલ 98,30,000 રૂપિયા જમા હોવાની પુષ્ટિ થઈ છે. આ મામલે પોલીસે કુલ 133 સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.