સત્ય. સાહસ. સંકલ્પ.

રાલ્ફ લોરેન પર જરદોશી કળા ચોરવાનો આરોપ, ન્યૂયોર્ક ફેશન વીકમાં વિવાદ

રાલ્ફ લોરેન પર જરદોશી કળા ચોરવાનો આરોપ, ન્યૂયોર્ક ફેશન વીકમાં વિવાદ

અમેરિકન ફેશન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન' ભારતીય હસ્તકળા 'જરદોશી વર્ક'ની ચોરી કરવાના આરોપમાં સપડાઈ છે. ન્યૂયોર્ક ફેશન વીકમાં બ્રાન્ડે 'સ્પ્રિંગ-સમર 2027' કલેક્શન રજૂ કર્યું, જેમાં ઘાટા ગુલાબી રંગનો ઇવનિંગ ગાઉન પ્રદર્શિત કરવામાં આવ્યો. આ ગાઉન પર મણકા અને ધાતુના તારથી કરેલું ઝીણવટભર્યું કામ ભારતીય જરદોશી ભરતકામ જેવું જ હતું. પરંતુ બ્રાન્ડે ઇન્સ્ટાગ્રામ પર તેને માત્ર 'હાથથી કરવામાં આવેલી સજાવટ' (hand-applied embellishments) તરીકે ઓળખાવ્યું અને ભારત કે ભારતીય કારીગરોને કોઈ શ્રેય આપ્યો નહીં.

જરદોશી કળા 300 વર્ષ જૂની છે. પર્સિયાથી આવેલી આ કળા મુઘલ કાળમાં ભારતમાં લોકપ્રિય બની. 2013થી લખનૌ અને તેની આસપાસના 6 જિલ્લાઓમાં આ કળાને ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો છે. આ કળા સાથે લગભગ 1,75,000 ભારતીય કારીગરો જોડાયેલા છે. તેમના કૌશલ્યને અવગણવામાં આવતું હોઈ દેશભરમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે.

ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર પ્રખર રાવ સિંહ ચંદેલે આ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું, 'રાલ્ફ લોરેને કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે દરેક પોશાક એવો અનુભવ કરાવે જાણે તેનો પોતાનો ઇતિહાસ અને વ્યક્તિત્વ હોય. હું પૂછું છું: કોનો ઇતિહાસ? કોનું વ્યક્તિત્વ?' તેમણે વિદેશી બ્રાન્ડ્સની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા. જૂન 2025માં મિલાનમાં પ્રાડાએ કોલ્હાપુરી શૈલીના સેન્ડલ રજૂ કર્યા અને તેને માત્ર 'લેધર સેન્ડલ' કહ્યા. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે પત્ર લખ્યાના બે દિવસ બાદ જ ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ચંદેલે કહ્યું, 'આ તેમની રણનીતિ છે: વાહવાહી મેળવવી અને જ્યારે કોઈ મજબૂર કરે ત્યારે જ શ્રેય આપવો.'

આ પહેલી ઘટના નથી. માર્ચ 2026માં પેરિસ રનવે પર 'ફોલ 2026' કલેક્શનમાં મોડલ્સે ભારતીય ઝુમકા પહેર્યા હતા, પરંતુ બ્રાન્ડે તેને 'અસલી વિન્ટેજ એક્સેસરીઝ' કહીને નેટિવ અમેરિકન ડિઝાઇનર્સના નામે ખપાવી દીધા. ઓગસ્ટ 2026માં પણ બાંધણી પ્રિન્ટની નકલ કરવાનો આરોપ લાગ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક ચોરીના વધતા બનાવો ભારતીય કારીગરોની આજીવિકા અને ઓળખ માટે ગંભીર ચિંતાનો વિષય છે.