સત્ય. સાહસ. સંકલ્પ.

આવકવેરા વિભાગે રકુલ પ્રીત સિંહ અને વાશુ ભગનાની સાથે જોડાયેલા 12 સ્થળો પર દરોડા પાડ્યા

આવકવેરા વિભાગે રકુલ પ્રીત સિંહ અને વાશુ ભગનાની સાથે જોડાયેલા 12 સ્થળો પર દરોડા પાડ્યા

આવકવેરા વિભાગે સોમવારે મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, તેમના સસરા અને ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની તથા પેનોરમા સ્ટુડિયો સાથે સંબંધિત 12 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને ફંડમાં ગેરરીતિની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

તપાસ અધિકારીઓને શંકા છે કે ફિલ્મ પ્રોજેક્ટ્સ, વિદેશી ડિસ્ટ્રિબ્યુશન અને શૂટિંગના નામે મોટી રકમ વિદેશ મોકલવામાં આવી રહી હતી. વિભાગ હાલમાં નાણાકીય દસ્તાવેજોની તપાસ કરી રહ્યો છે. આવકવેરા ટીમો દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ્સ અને વિદેશી વ્યવહારોની વિગતોની ચકાસણી કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ ચાલુ છે અને આવકવેરા સંબંધિત ગેરરીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરી શકે છે.

રકુલ પ્રીત સિંહ રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'માં શૂર્પણખાની ભૂમિકા ભજવી રહી છે. પ્રોડ્યુસર વાશુ ભગનાનીના દીકરા અને અભિનેતા જેકી ભગનાની સાથે રકુલ પ્રીત સિંહે લગ્ન કર્યા છે.

વાશુ ભગનાની પૂજા ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની ચલાવે છે અને તેઓ પેનોરમા સ્ટુડિયોઝ સાથે પણ જોડાયેલા રહ્યા છે, જેના બેનર હેઠળ 'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝી જેવી સુપરહિટ ફિલ્મો બની છે. વાશુ ભગનાનીએ 'કુલી નંબર 1' (1995), 'બડે મિયાં છોટે મિયાં' (1998), 'રહેના હૈ તેરે દિલ મેં' અને 'મિશન રાનીગંજ' જેવી ઘણી ચર્ચિત ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ વિવાદોમાં રહ્યા છે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' (2024)ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે તેમનો નાણાકીય લેવડદેવડને લઈને વિવાદ થયો હતો. આ ઉપરાંત ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'ના ગીતો અને દૃશ્યોના અધિકારોને લઈને પણ તેમનો ટીપ્સ ફિલ્મ્સ સાથે કૉપિરાઇટ વિવાદ થયો હતો.

રકુલ પ્રીત સિંહનો પરિવાર અગાઉ પણ કાનૂની વિવાદોમાં રહ્યો છે. ડિસેમ્બર 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં રકુલના ભાઈ અમન પ્રીત સિંહની શોધ શરૂ કરી હતી. અમન પ્રીત સિંહનું નામ હૈદરાબાદમાંથી મોટી માત્રામાં જપ્ત કરાયેલા ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. ડ્રગ લૉ એનફોર્સમેન્ટ (EAGLE) ફોર્સ અને વેસ્ટ ઝોન પોલીસે બે ડ્રગ તસ્કરોની ધરપકડ કરીને તેમની પાસેથી 43 ગ્રામ કોકેઇન અને 11.5 ગ્રામ MDMA જપ્ત કર્યું હતું. તપાસ દરમિયાન આરોપ લાગ્યો હતો કે અમન પ્રીત સિંહે તે તસ્કરો પાસેથી પાંચ વખત નશીલા પદાર્થો ખરીદ્યા હતા.