સત્ય. સાહસ. સંકલ્પ.

રાજ્યસભા ચૂંટણી: 11 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન, તે જ દિવસે પરિણામ

રાજ્યસભા ચૂંટણી: 11 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન, તે જ દિવસે પરિણામ

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 1 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. કુલ 11 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પરિણામ જાહેર થશે. ઉત્તર પ્રદેશની 10 બેઠકોના વર્તમાન સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂરો થાય છે, તેથી આ ચૂંટણી યોજાઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાંથી જે સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, પૂર્વ ડીજીપી બ્રજલાલ, સીમા દ્વિવેદી, નીરજ શેખર, ગીતા શાક્ય, અરૂણ સિંહ અને બી.એલ. વર્માનો સમાવેશ થાય છે. ડો. દિનેશ શર્માએ અંદમાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક બાદ રાજીનામું આપતાં તે બેઠક પણ ખાલી પડી છે. સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ અને બસપાના રામજી ગૌતમનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકોમાંથી 6 ધારાસભ્યોના નિધન બાદ હાલ 397 ધારાસભ્યો મતદાન કરશે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ઉમેદવારને લગભગ 37 પ્રથમ પસંદગીના મતોની જરૂર પડે છે. બસપા પાસે વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ન હોવાથી, તેના વર્તમાન સાંસદનો કાર્યકાળ પૂરો થતાં રાજ્યસભામાં બસપાનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.

સમાજવાદી પાર્ટી પાસે 101 ધારાસભ્યોનું બળ છે, જેથી તે 2 બેઠકો સરળતાથી જીતી શકે છે અને તેના વધારાના મતો પણ બચશે. ભાજપ પાસે પોતાના 256 અને સહયોગી પક્ષોના 33 મળીને કુલ 289 ધારાસભ્યોનું બળ છે. આ ગણિત અનુસાર ભાજપ 7 બેઠકો જીતવાની મજબૂત સ્થિતિમાં છે.