નવી દિલ્હી: લોકશાહીમાં રાજ્યસભાને 'ઉપલું ગૃહ' કહેવામાં આવે છે. અહીં દેશના અનુભવી નેતાઓ, નિષ્ણાતો અને બુદ્ધિજીવીઓ બેસે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગૃહનું ચિત્ર બદલાયું છે. હવે રાજ્યસભામાં પહોંચવા માટે અનુભવ અને ક્ષમતા સાથે આર્થિક તાકાત પણ મહત્વની બની ગઈ છે.
‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) અને ‘નેશનલ ઇલેક્શન વોચ’ (NEW) એ જૂન 2026માં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અંગેનો છે.
રિપોર્ટ મુજબ, રાજ્યસભામાં 100 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતા સાંસદોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2014માં આવા માત્ર 4 સાંસદ હતા. 2018માં તેમની સંખ્યા વધીને 6 થઈ. જૂન 2026માં આ આંકડો 31 પર પહોંચી ગયો છે. આ સાંસદોની જાહેર કરેલી સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે.
રિપોર્ટમાં રાજ્યસભાના કુલ 233 સાંસદોમાંથી 226 સાંસદોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળની 4 બેઠકો ખાલી હોવાથી અને અન્ય 3 સાંસદો (દેવેન્દ્ર પ્રતાપ સિંહ, જી. સી. ચંદ્રશેખર અને એસ. સેલ્વાગણપતિ)ના સોગંદનામા ઉપલબ્ધ ન હોવાથી તેમને સામેલ કરવામાં આવ્યા નથી.
226 સાંસદોમાંથી 31 સાંસદ (14%) 100 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, રાજ્યસભાનો દર સાતમો સાંસદ અત્યંત ધનિક શ્રેણીમાં આવે છે.
આ તમામ 226 સાંસદોની સરેરાશ સંપત્તિ 115.25 કરોડ રૂપિયા છે. જોકે, અમુક અત્યંત ધનિક સાંસદોના કારણે આ સરેરાશ આંકડો ઊંચો ગયો છે.
સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોચના 5 સાંસદો:
- ડૉ. બંદી પાર્થસારથી રેડ્ડી (BRS, તેલંગાણા): આશરે 5,300 કરોડ રૂપિયા
- રાજિન્દર ગુપ્તા (ભાજપ, પંજાબ): આશરે 5,053 કરોડ રૂપિયા
- ડૉ. અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ, તેલંગાણા): આશરે 2,558 કરોડ રૂપિયા
- જયા અમિતાભ બચ્ચન (સમાજવાદી પાર્ટી, ઉત્તર પ્રદેશ): 1,578 કરોડ રૂપિયા
- પરિમલ નથવાણી (અપક્ષ, ઝારખંડ): 755 કરોડ રૂપિયા
આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અપક્ષ સાંસદ કપિલ સિબ્બલ 608 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે.
પક્ષવાર આંકડા જોઈએ તો:
- ભાજપના 107માંથી 7 સાંસદ (7%) 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
- કોંગ્રેસના 29માંથી 6 સાંસદ (21%) 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
- આંધ્રપદેશની YSRCPના 4માંથી 2 (50%)
- આંધ્રપદેશની TDPના 4માંથી 2 (50%)
- તેલંગાણાની BRSના 3માંથી 2 (67%)
- મહારાષ્ટ્રની NCPના 4માંથી 2 (50%) સાંસદ 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
રસપ્રદ વાત એ છે કે ગૃહના ચારેય (100%) અપક્ષ સાંસદો 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
રાજ્યો પ્રમાણે જોઈએ તો તેલંગાણા અને આંધ્રપદેશના સાંસદો પાસે સૌથી વધુ સંપત્તિ છે. તેલંગાણાના 7માંથી 4 સાંસદ (57%) અને આંધ્રપદેશના 11માંથી 5 સાંસદ (45%) 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.