સત્ય. સાહસ. સંકલ્પ.

27 વર્ષથી પોલીસને થાપ આપતો સિમેન્ટ ચોરીનો આરોપી નાગપુરથી ઝડપાયો, રાજુલા પોલીસની સફળતા

27 વર્ષથી પોલીસને થાપ આપતો સિમેન્ટ ચોરીનો આરોપી નાગપુરથી ઝડપાયો, રાજુલા પોલીસની સફળતા

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશને 27 વર્ષથી ફરાર ચાલતા એક લિસ્ટેડ આરોપીને મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ અબ્દુલ સત્તાર મોહમ્મદ હબીબ કુરેશી છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહેતા ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેને રાજુલા નજીક કોવાયા ખાતે આવેલી સિમેન્ટ ફેક્ટરીમાંથી સિમેન્ટની 600 બોરીઓ સુરત પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આરોપીએ અંદાજે 30 ટન સિમેન્ટની બોરીઓનું અનાજ-અનાજ કરી નાખ્યું અને ટ્રક મૂકીને ફરાર થઈ ગયો. આ મામલે વર્ષ 1999માં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારથી આરોપી પોલીસ ચોપડે ફરાર હતો.

આરોપીને પકડવા માટે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એસઆરઆઈ યાદીના આધારે આરોપીનું પગેરું મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એકસરખાં નામ ધરાવતા અંદાજે 150 લોકોમાંથી સાચા આરોપીને ઓળખવો પોલીસ માટે મોટો પડકાર હતો.

રાજુલાના ડીવાયએસપી નયના ગોરડિયાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ચાર સંભવિત નામ સામે આવ્યાં હતાં. ત્યારબાદ સંબંધિત દસ્તાવેજો અને ટેકનિકલ માહિતીની ચકાસણી કરવામાં આવી. આરોપી સાથે સંકળાયેલા મોબાઇલ નંબરના કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)નું વિશ્લેષણ કરતાં તેની અલગ-અલગ રાજ્યોમાં અવરજવર હોવાની માહિતી મળી. વધુ તપાસમાં આરોપીનું લોકેશન નાગપુર તરફ હોવાનું સામે આવતાં પોલીસ ટીમે તેને ત્યાંથી ઝડપી લીધો.

આ કાર્યવાહીથી રાજુલા પોલીસને વર્ષો જૂના કેસમાં મહત્ત્વની સફળતા મળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.