સત્ય. સાહસ. સંકલ્પ.

રાજુલા પાસે ભૂંડ આડું ઉતરતાં બાઇકસવાર દુકાનદારનું ઘટનાસ્થળે મોત

રાજુલા પાસે ભૂંડ આડું ઉતરતાં બાઇકસવાર દુકાનદારનું ઘટનાસ્થળે મોત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં બાઇકસવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, માંડળ ગામ નજીક રહેતા 36 વર્ષીય પ્રવીણભાઈ રત્નાભાઈ વાળા પોતાની એગ્રો દુકાને જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં તેમણે બાઇક પર કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત ગત 8 તારીખે સર્જાયો હતો.

CCTVમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ સૌપ્રથમ બે રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને આસપાસના લોકો પણ મદદ માટે આવી પહોંચ્યા હતા. આજે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટનાની વિગતો પ્રકાશમાં આવી હતી. વીડિયોમાં રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં બાઇકસવાર અકસ્માતનો ભોગ બનતા હોવાનું જોવા મળ્યું હતું.

રાજુલા-જાફરાબાદ પંથકમાં રસ્તા પર રખડતાં પશુઓના કારણે અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ખાસ કરીને નીલગાય અને ભૂંડ સહિતનાં પશુઓ અચાનક રસ્તા પર આવી જતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માંડળ ગામ નજીક બનેલી આ જીવલેણ ઘટનાએ ફરી એક વાર માર્ગ સલામતી અને રસ્તા પર રખડતાં પશુઓની સમસ્યા અંગે ચિંતા ઊભી કરી છે.