સત્ય. સાહસ. સંકલ્પ.

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની ચેતવણી: 'તમારી જગ્યા જેલમાં છે'

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની ચેતવણી: 'તમારી જગ્યા જેલમાં છે'

નવી દિલ્હી: સાત ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠરેલા બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે અગાઉ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તેમણે ઓછામાં ઓછા ₹2 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) જમા કરાવવો પડશે. જોકે, રાજપાલ યાદવ તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારતી રાજપાલ યાદવની અરજી પર સુનાવણી કરી રહી હતી. અગાઉ 10 જુલાઈ, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે તેમને તમામ સાતેય કેસોમાં 3 મહિનાની કેદની સજા ફટકારી હતી અને સાથે ₹1.35 કરોડનો દંડ પણ કર્યો હતો.

માત્ર 50 લાખ રૂપિયા જ કેમ? - સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને શરતી વચગાળાની રાહત આપી હતી કે તેમણે કોર્ટની રજિસ્ટ્રીમાં ₹5 કરોડ જમા કરાવવાના રહેશે. 15 સપ્ટેમ્બરે યાદવે રજૂઆત કરી હતી કે તેઓ પોતાની અમુક મિલકતો વેચીને ભંડોળ એકઠું કરી રહ્યા છે અને આગામી સુનાવણી વખતે કોર્ટ સમક્ષ ₹2 કરોડનો ડ્રાફ્ટ રજૂ કરશે. આ બાંયધરીને ધ્યાનમાં રાખીને કોર્ટે વચગાળાની રાહત 5 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

પરંતુ સોમવારની સુનાવણી દરમિયાન જ્યારે રાજપાલ યાદવના વકીલે માત્ર ₹50 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ રજૂ કરી, ત્યારે ખંડપીઠ ભડકી ઊઠી. કોર્ટે વેધક સવાલ કર્યો કે જ્યારે સ્પષ્ટ આદેશ ₹5 કરોડ જમા કરાવવાનો હતો, તો માત્ર ₹50 લાખ જ કેમ? વધુમાં કોર્ટે ટકોર કરી કે તેમને જે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો, તે હવે પૂરો થઈ ચૂક્યો છે.

અરજી ફગાવી દેવાશે - સુપ્રીમ કોર્ટની ચીમકી

જસ્ટિસ જોયમલ્યા બાગચીએ અત્યંત કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું, "તમારી જગ્યા જેલમાં છે." તેમણે ઉમેર્યું, "ફરિયાદીને કેટલાક પૈસા પાછા મળશે એવી આશાએ તમારા આ ટાળવાના વલણને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવતું હતું. પરંતુ હવે તમારી આ અરજી ફગાવી દેવા પર અમે ગંભીરતાથી વિચાર કરીશું."

જ્યારે રાજપાલ યાદવના વકીલે ₹50 લાખની વચગાળાની ચુકવણીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતા દલીલ કરી કે ફરિયાદી કોઈ ગરીબ વ્યક્તિ નથી, ત્યારે કોર્ટે સણસણતો જવાબ આપ્યો, "તે ઓછામાં ઓછો તમે રોકી રાખેલી રકમ જેટલો તો ગરીબ છે જ. અમે સારી રીતે જાણીએ છીએ કે આવા ઘમંડને કેવી રીતે સીધો કરવો. તમે કોર્ટમાં પણ એક્ટિંગ કરી રહ્યા છો, પરંતુ અહીં તમારો આ અભિનય કામ નહીં આવે."

2010થી ચાલી રહ્યો છે કાનૂની વિવાદ

આ કાનૂની વિવાદ છેક 2010થી ચાલી રહ્યો છે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની પ્રોડક્શન કંપનીને "આતા પતા લાપતા" નામની ફિલ્મ બનાવવા માટે આશરે ₹5 કરોડની માતબર લોન આપી હતી. ફિલ્મના રિલીઝમાં વિલંબ થતાં, લોનના નાણાં પરત ચૂકવવા માટે એક કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ કરાર મુજબ કંપનીને આપવામાં આવેલા સાતેય ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ, મુરલી પ્રોજેક્ટ્સે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાયદેસરનો કેસ દાખલ કર્યો. લાંબી કાનૂની લડાઈ બાદ, એપ્રિલ 2018માં ટ્રાયલ કોર્ટે અને ત્યારબાદ 2024માં સેશન્સ કોર્ટે પણ રાજપાલ યાદવને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા.