સત્ય. સાહસ. સંકલ્પ.

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ₹5 કરોડ જમા કરાવવાની શરત

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ₹5 કરોડ જમા કરાવવાની શરત

બોલિવૂડના હાસ્ય અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સના 7 કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટે તેમને આગામી બુધવાર સુધીમાં ₹5 કરોડ જમા કરાવવાની શરતે જેલમાં જવાથી મુક્તિ આપી છે. આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે.

જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાજપાલ યાદવની અરજી પર સુનાવણી કરીને સામા પક્ષને નોટિસ પાઠવી છે. અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટના 10 જુલાઈ, 2026ના આદેશને પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે નીચલી અદાલતની સજા યથાવત રાખી હતી.

આ વિવાદ 2010નો છે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની ફિલ્મ નિર્માણ કંપનીને 'આતા પતા લાપતા' ફિલ્મ માટે આશરે ₹5 કરોડ આપ્યા હતા. ફિલ્મમાં વિલંબ થતાં નાણાં પરત કરવા માટે આપેલા 7 ચેક બાઉન્સ થયા હતા. આથી કંપનીએ કલમ 138 હેઠળ 7 ફરિયાદો કરી હતી.

ટ્રાયલ કોર્ટે 2018માં રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા હતા અને 2024માં સેશન્સ કોર્ટે દરેક કેસમાં 3 મહિનાની જેલ અને કુલ ₹1.35 કરોડ દંડની સજા સંભળાવી હતી. દિલ્હી હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે 2013માં બંને પક્ષો વચ્ચે ₹10.4 કરોડમાં સમાધાન થઈ ગયું હતું, તેથી ફરિયાદો ચાલુ ન રાખી શકાય. કોર્ટે શરતી રાહત આપીને હવે આગળની સુનાવણી માટે 15 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.