નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને બે અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે મુરલી પ્રોજેક્ટ્સ સાથેના 5 કરોડ રૂપિયાના વિવાદમાં તેમની ધરપકડ સામેની સુરક્ષા 5 ઓક્ટોબર સુધી લંબાવી છે, પરંતુ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI)ની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના અગાઉના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે તેમનું વર્તન ભરોસાપાત્ર રહ્યું નથી. તેમણે કહ્યું, "અદાલતમાં એક્ટિંગ ન ચાલે." અભિનેતાના વકીલે ખાતરી આપી હતી કે નિર્ધારિત સમયમાં 2 કરોડ રૂપિયા જમા કરાવી દેવાશે અને બાકીની રકમ માટે ગેરંટી આપવામાં આવશે. તેના આધારે કોર્ટે બે અઠવાડિયાનો આખરી સમય આપ્યો હતો.
આ વિવાદ રાજપાલ યાદવ અને તેમની પત્ની દ્વારા એક ફિલ્મના નિર્માણ માટે 'મુરલી પ્રોજેક્ટ્સ' પાસેથી લેવામાં આવેલા 5 કરોડ રૂપિયા સાથે જોડાયેલો છે. ફિલ્મ નિર્ધારિત સમયમાં પૂર્ણ ન થઈ શકતાં બંને પક્ષો વચ્ચે ચાર વખત સમજૂતી કરાર થયા હતા. 2013ના કરાર મુજબ 8 સિક્યોરિટી ચેક પાછા આપવાના હતા, પરંતુ રાજપાલ યાદવના આરોપ મુજબ કંપનીએ તેમાંથી 7 ચેક બેંકમાં જમા કરાવ્યા હતા, જે બાઉન્સ થઈ ગયા હતા. જેના પગલે અભિનેતા સામે ફોજદારી કેસ નોંધાયો હતો અને સેશન્સ કોર્ટે તેમને 6 મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.
અગાઉ દિલ્હી હાઈકોર્ટે વિવાદ ઉકેલાઈ જશે તેવી ખાતરી મળતાં જેલની સજા પર રોક લગાવી હતી અને મામલો મધ્યસ્થતા કેન્દ્રમાં મોકલ્યો હતો. જોકે, અભિનેતા અદાલત સમક્ષ વારંવાર ખાતરી આપવા છતાં અને હપ્તામાં ચૂકવણી કરવાની મંજૂરી માંગ્યા પછી પણ નક્કી થયેલી રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.