બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે પત્ની રાધાના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ લખી છે. 55 વર્ષીય અભિનેતાએ રાધાને પરિવારનો 'હીરો' ગણાવીને મુશ્કેલ સમયમાં પણ સાથ આપવા બદલ આભાર માન્યો છે.
રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને લઈને ચર્ચામાં છે. તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે કે 14 વર્ષ પછી તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી છે. આ સાથે તેમણે ₹22 કરોડના નવા દાવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
શનિવારે રાધાનો જન્મદિવસ હતો. રાજપાલે પત્ની સાથેની તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે જીવનની અનેક મુશ્કેલીઓમાં રાધા હંમેશાં તેમની સાથે ખડકની જેમ ઊભી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં રાજપાલે લખ્યું, 'માતાપિતા, ગુરુ, મારા અંદરના મનોરંજન કુમાર અને પરમાત્મા પછી જો મારા જીવનમાં કોઈનું સૌથી મોટું ઋણ હોય તો તે મારી પ્રિય રાધાનું છે. આ ઋણ હું હૃદયપૂર્વક સ્વીકારું છું. મને ગર્વ છે કે તું મારા જીવનમાં આવી. જીવનના દરેક વળાંક પર અને દરેક મુશ્કેલ ઘડીમાં તેં ધીરજ રાખીને મારો સાથ ક્યારેય છોડ્યો નથી.'
તેમણે ઉમેર્યું, 'મારી સાથે આટલું બધું સહન કર્યા પછી પણ તેં બાળકોને સારી રીતે ભણાવ્યાં અને જીવનના પાઠ શીખવ્યા. આ મારું સપનું હતું, જે તેં પૂરું કર્યું. આજ સુધી તેં મારી પાસે કંઈ માગ્યું નથી, પણ મારા અને પરિવારની ખુશી માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે.'
પોસ્ટના અંતે તેમણે લખ્યું, 'સાચે જ, તું અમારા પરિવારનો હીરો છે. હું જીવનભર તારો આભારી રહીશ. મારી સ્વીટહાર્ટ, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્ચાઓ! હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ, મારી જાન રાધા!'
રાજપાલ યાદવના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્ની કરુણાનું બાળકને જન્મ આપ્યાના થોડા સમય બાદ અવસાન થયું હતું. તેમની પહેલી પત્નીથી જ્યોતિ નામની દીકરી છે. રાજપાલે 2003માં રાધા સાથે લગ્ન કર્યાં. આ દંપતીને હર્ષિતા અને રેહાંશી નામની બે દીકરીઓ છે.
ચેક બાઉન્સ કેસ અંગે ANI સાથે વાત કરતાં રાજપાલે કહ્યું, 'હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું કે તેમણે 14 વર્ષમાં પહેલીવાર મને પક્ષ રજૂ કરવાની તક આપી. કોર્ટ જે આદેશ આપશે તેનું હું પાલન કરીશ.'