દુશાન્બે (તાજિકિસ્તાન) ખાતે શંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારતનું આતંકવાદ વિરોધી વલણ સ્પષ્ટ કર્યું હતું. આ બેઠકમાં પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઇશાક ડાર પણ હાજર હતા.
રાજનાથ સિંહે જણાવ્યું કે આતંકવાદ આજે વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે સૌથી ગંભીર પડકારોમાંનો એક છે. તેમણે કહ્યું કે આતંકવાદને કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ બાબતે કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડનારા, તેમને સમર્થન આપનારા અથવા આશ્રય આપનારાઓ સામે કડક અને સામૂહિક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમનો નાશ કરવો અનિવાર્ય છે.
આ પહેલા 15 ઓક્ટોબરે રાજનાથ સિંહે સરહદ પારના આતંકવાદ અંગે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન તરફથી ભવિષ્યમાં કોઈપણ આતંકી હરકત થશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ભારત વાતચીત અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માને છે, પરંતુ શાંતિ માટેની પ્રતિબદ્ધતાને કમજોરી ન સમજવી જોઈએ.
દુશાન્બેમાં રાજનાથ સિંહે તાજિકિસ્તાનના વડાપ્રધાન કોહિર રસૂલઝોદા અને ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું કે તાજિકિસ્તાન સાથેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો અને ગાઢ લોકસંપર્ક પર ચર્ચા થઈ, અને ઈરાનના નેતા સાથેની મુલાકાત સંતોષકારક રહી.