સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ, જયેશ રાદડિયાનો વિરોધીઓ પર પ્રહાર

રાજકોટમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ, જયેશ રાદડિયાનો વિરોધીઓ પર પ્રહાર

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યાર્ડમાં ખેડૂતોની સુવિધા માટે 1 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલતી હોય છે પણ સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનો ભરોસો જીતવો એ ખૂબ મોટી વાત હોય છે. ખેડૂતોના સર્ટિફિકેટ લેવા માટે જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે હું મેદાનમાં જાઉં છું. અમે જે કામ કર્યું છે તે કામને લઈને માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મત માંગવા માટે આવશું. 5 વર્ષ પહેલા અમુક આવ્યા હતા ચૂંટણી લડવા. જેઓને 1400માંથી 80 જ મત મળ્યા હતા. 50-60 મત તો ગાંડાને પણ મત મળે. મેં 5 વર્ષ પૂર્વે કહ્યું હતું કે, અમારી ટીમ પર વિશ્વાસ મૂકજો. લાગશે વાર પણ આવશે મજા."

આ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘેલાએ પણ જૂની વાતોને યાદ કરતા કહ્યું કે, 25 વર્ષ પહેલા ગુજરાતમાં મત આપવા જતા તેને ગામના ચોરા પર મારતા જોયા છે. ધોળા દિવસે પોપટ લાખા સોરઠીયા જેવા ખેડૂતોની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી. જોકે જયેશ રાદડિયા મર્દાનગીથી ખેડૂતોની સુરક્ષા માટે નિકળ્યા છે.

માર્કેટિંગ યાર્ડની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા જયેશ રાદડિયાએ કહ્યું કે, 5 વર્ષ પહેલાં જ્યારે હું યુવાનોની નવી પેનલ માટે મત માંગવા ગયો હતો ત્યારે ખેડૂતોએ 98% મતોથી અમને વિજયી બનાવ્યા હતા. ચેરમેન જયેશ બોઘરાના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં યાર્ડમાં 60 કરોડના કામો થયા છે. ખેડૂતોનો માલ વરસાદમાં પલળે નહીં તે માટે અલગ અલગ ઓક્શન શેડ બનાવવામાં આવ્યા છે. આજે ખેડૂતોને લાગે છે કે આ યાર્ડ પોતાનું જ છે અને અહીં તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી.

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ અંગે રાદડિયાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે અમે 100% મેદાનમાં હોઈશું. રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ ડેરી કે માર્કેટીંગ યાર્ડ હોય, મારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે સહકારી માળખું બિનરાજકીય અને પ્રામાણિક રીતે ચાલે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં જાહેર થયું કે બેંકે રૂ. 280 કરોડથી વધુ નફો કર્યો છે અને વર્ષના અંતે 200 કરોડ ખેડૂતો અને મંડળીઓને રિટર્ન આપ્યા છે.

વિઘ્નસંતોષીઓ અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા જયેશ રાદડિયાએ ઉમેર્યું હતું કે, બેંકના ચેરમેન તરીકે મેં હંમેશા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે. ખેડૂતોને 0% વ્યાજે લોન અને 15 લાખ રૂપિયાની અકસ્માત વીમા પોલીસી આપવામાં આવે છે. અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ ખેડૂતો સુધી પરિણામ પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. 5 વીઘા કે 10 વીઘા જમીન ધરાવતા નાનામાં નાના ખેડૂતને પણ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને અમારા સહકારી માળખા પર પૂરો ભરોસો છે.