રાજકોટના યુનિવર્સિટી રોડ પર સાધુ વાસવાણી કોર્નર પાસે મોડી રાતે એક ઝડપી કારે એક્ટિવા સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ થઈ છે અને મહિલાનો પગ કપાઈને દૂર પડ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસ મુજબ, અજંતા પાર્કમાં રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ તલાટીયા અને તેમના માતા જસુબા એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી સફેદ ફોરવ્હીલ કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.
સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કાર ટક્કર બાદ થોડે દૂર જઈને ઊભી રહે છે. તેમાંથી બે યુવક અને બે યુવતી ટ્રેડિશનલ કપડાંમાં ઉતરે છે. સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.
સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ અને કાર નંબરના આધારે આગળની તપાસ શરૂ કરી છે.