કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ટેક્સ લાદવાના નિર્ણય સામે દેશભરમાં વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશન સહિતના વેપારી મંડળોએ દેશવ્યાપી આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
વેપારીઓએ આગામી 2 ઓક્ટોબરે 'નો યુપીઆઈ ડે' (NO UPI DAY) પાળવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે રાજકોટના તમામ કાપડ, ગારમેન્ટ્સ, કરિયાણા અને નાના-મોટા રિટેલ વેપારીઓ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારશે નહીં. તમામ દુકાનદારો પોતપોતાના UPI સ્કેનર (QR કોડ) પર કાળું કપડું ઢાંકીને સરકારની નીતિ સામે વિરોધ નોંધાવશે.
વેપારી અગ્રણી હિતેશભાઈએ જણાવ્યું કે, બજારમાં હાલ અંદાજે 80 ટકા વ્યવહારો UPI મારફતે થાય છે. જીએસટીનું રેકોર્ડ કલેક્શન આવી રહ્યું હોવા છતાં સરકાર આવા નવા-નવા ટેક્સ લાદીને વેપારીઓને હેરાન કરી રહી છે. GST અને ઇન્કમ ટેક્સ આપ્યા પછી વધુ કેટલા ટેક્સ ભરવાના તેવા સવાલો સાથે વેપારીઓએ MDR ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.