રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ રાજ્યમાં સૌથી વધુ તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહેશે. આ સમયગાળામાં વરસાદની કોઈ આગાહી કે ચેતવણી નથી.
હવામાન વિભાગ પ્રમાણે, નૈઋત્ય અરબી સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હજી યથાવત છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને સોમાલિયાના કિનારા તરફ ફંટાવાની શક્યતા છે.
અમદાવાદમાં આગામી સમયમાં મહત્તમ તાપમાન આશરે 37.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન આશરે 24.6 ડિગ્રી રહેવાની સંભાવના છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી ઉપર રહ્યું છે. આગામી સાત દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપરથી નોંધપાત્ર રીતે ઉપર રહ્યું હતું, જ્યારે ગુજરાત ક્ષેત્ર અને કચ્છમાં તે સામાન્યથી ઉપર નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન પણ નોંધપાત્ર રીતે વધીને સામાન્યથી ઉપર રહ્યું હતું.