રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર પાડોશમાં રહેતા નેપાળી મૂળના યુવકે દુષ્કર્મ આચર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સગીરાના માતા-પિતા ઘરે ન હતા ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે.
ચોંકાવનારી વિગત એ છે કે આરોપી અગાઉ પીડિતાની પરિણીત બહેનને પણ ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પીડિત પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ નોંધાયા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી છૂટ્યો હોવાની માહિતી મળી છે. આથી રાજકોટ પોલીસની એક ટીમ આરોપીને ઝડપી પાડવા માટે મુંબઈ રવાના થઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.