સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ડિપ્રેશનથી પીડિત શિક્ષકે કેરોસીન છાંટીને આપઘાત કર્યો, CCTVમાં સળગતી હાલતમાં દેખાયો

રાજકોટમાં ડિપ્રેશનથી પીડિત શિક્ષકે કેરોસીન છાંટીને આપઘાત કર્યો, CCTVમાં સળગતી હાલતમાં દેખાયો

રાજકોટ શહેરના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા 34 વર્ષીય ખાનગી શાળાના શિક્ષક મિતેશ જયસુખભાઈ તેરૈયાએ 18 ઓક્ટોબરના રોજ બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવાન સળગતી હાલતમાં ઘરની બહાર નીકળતો જોઈ શકાય છે. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો હતપ્રત થઈ ગયા હતા.

માલવિયાનગર પોલીસ મથકના PSI સી.પી. રાઠોડે જણાવ્યું કે, મૃતકના બનેવીના કહેવા પ્રમાણે, મિતેશ છેલ્લા 15 દિવસથી ગુમસુમ રહેતો હતો, જેના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. મિતેશ કોઠારીયા રોડ પર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. તેના લગ્ન થયા હતા, પરંતુ 5 વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. આંબેડકરનગરમાં મવડી 50 વારીયા સ્લમ ક્વાર્ટસમાં તેનું મકાન હતું, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તે કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો. યુવાનના માતા-પિતા પણ હયાત નથી.

18 ઓક્ટોબરના બપોરે 2 વાગ્યા પહેલાં તે આંબેડકરનગરમાં આવેલા પોતાના મકાન પર આવ્યો હતો અને ઘરમાં પહોંચી કેરોસીનનું ડબલું પોતાના શરીર પર છાંટી દીવાસળીથી આગ ચાંપી દીધી હતી. જે બાદ તે સળગતી હાલતમાં ઘરમાંથી બહાર રસ્તા પર નીકળી ગયો હતો, જેથી આસપાસમાં રહેતા પડોશીઓએ તેને ગોદળાથી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ પડતા સળગી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.