રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા સાથે તેના પૂર્વ શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આરોપી શિક્ષકનું નામ મોહિત ટાંક હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, સગીરા હાલ બારદાનવાલા કન્યા વિદ્યાલયમાં ધોરણ-9માં ભણે છે. વર્ષ 2023થી 2026 દરમિયાન તે ધોરણ 6થી 8નો અભ્યાસ મધર ટેરેસા સ્કૂલ નંબર 88માં કરતી હતી. તે સમયે મોહિત ટાંક મેથ્સનો પિરિયડ લેવા આવતા હતા.
સગીરાએ તેની માતાને જણાવ્યું કે, 2 જાન્યુઆરી, 2026ના રોજ શિક્ષકે કહ્યું હતું કે, "હું તને મેથ્સમાં સારા માર્કસ આપી પાસ કરાવી દઈશ, તું મને બહુ ગમે છે." ત્યારબાદ ક્લાસમાં કોઈ ન હોય ત્યારે તે શારીરિક અડપલાં કરતા હતા. સગીરાએ ના પાડતાં તેને મેથ્સમાં ફેલ કરવાની અને ભણતરમાં આગળ ન વધવા દેવાની ધમકી આપતા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, 9 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 7:15 વાગ્યે સગીરા સ્કૂલે પહોંચી ત્યારે ઓફિસમાં બેઠેલા શિક્ષકે તેને બોલાવીને કહ્યું કે "આપણે ઘરે જવું છે." સગીરાએ ના પાડીને સીડી ચડવા લાગી ત્યારે શિક્ષકે પાછળ જઈને તેનું બેગ ખેંચી લીધું અને ધમકી આપી કે, "જો કોઈ પૂછે તો કહેવાનું કે હું બુક ભૂલી ગઈ છું એટલે સર ઘરે મૂકવા આવે છે. જો મારી વાત નહીં માને તો મેથ્સમાં ફેઈલ કરી દઈશ."
ધમકીથી ડરી ગયેલી સગીરાને શિક્ષક પોતાની કારમાં બેસાડીને મવડી રોડ સ્વામિનારાયણ ચોક આસપાસ આવેલા તેના ફ્લેટ પર લઈ ગયો હતો. ત્યાં બેડરૂમમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ સવારે 8:30 વાગ્યે તેને સ્કૂલની થોડે દૂર ઉતારી ગયો હતો.
ફરિયાદ મુજબ, આ ઘટના બાદ પણ શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓ મારફતે સગીરાને ખાલી ક્લાસરૂમમાં બોલાવીને 20 એપ્રિલ, 2026 સુધી શારીરિક અડપલાં કર્યા હતા. તે સમયે પણ ધમકી આપતા હતા કે, "જો તું હું કહું એમ નહીં કરવા દે તો તને ફેઈલ કરી દઈશ અને હું મારી જાતે મારા હાથે બ્લેડ મારી દઈશ."
23 સપ્ટેમ્બર, 2026ના રોજ દીકરી ગુમસુમ અને ગભરાયેલી જણાતા માતાએ પૂછપરછ કરતાં તેણે આખી આપવીતી કહી. બાદમાં માતાએ રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
રાજકોટ તાલુકા પોલીસે આરોપી શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ અને વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ જણાવ્યું કે, શિક્ષક સામેની ફરિયાદની કોપી પોલીસ પાસેથી મળ્યા બાદ ધરપકડ થશે અને જો 48 કલાક જેલમાં રહેશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે.