સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં આજથી છ દિવસનો પાણીકાપ, શિવમનગરમાં બોરના પાણીમાં દુર્ગંધ

રાજકોટમાં આજથી છ દિવસનો પાણીકાપ, શિવમનગરમાં બોરના પાણીમાં દુર્ગંધ

રાજકોટ શહેરમાં આજે 16 સપ્ટેમ્બરથી પાણીકાપનો અમલ શરૂ થયો છે. આગામી છ દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જેથી રહીશોને અને ખાસ કરીને ગૃહિણીઓને રોજિંદા વપરાશ માટે પાણીની વ્યવસ્થા કરવામાં તકલીફ પડી રહી છે.

વોર્ડ નંબર 5ના શિવમનગર વિસ્તારમાં તો પહેલેથી જ ઓછા ફોર્સથી પાણી આવતું હતું. હવે પાણીકાપના કારણે સ્થિતિ વધુ કઠિન બની છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પૂરતા દબાણ સાથે પાણી ન મળતું હોવાથી ઘરકામમાં મુશ્કેલી પડે છે. તેમણે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

વધુમાં, વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે બોરના પાણીમાં દુર્ગંધ આવતી હોવાનો રહીશોનો આક્ષેપ છે. બોરનું પાણી વાપરવા લાયક ન રહેતાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ નળમાં પાણી નથી અને બીજી તરફ બોરનું પાણી દુર્ગંધયુક્ત હોવાથી રહીશોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. પાણી જેવી મૂળભૂત સુવિધા માટે તેમને મહાનગરપાલિકા પર દબાણ લાવવું પડી રહ્યું છે.

છ દિવસના પાણીકાપ દરમિયાન મનપા દ્વારા પાણી પુરવઠાનું યોગ્ય આયોજન થાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. હવે રાજકોટ મહાનગરપાલિકા આ સમસ્યાનો કેવો ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.