સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં સેક્સ સ્ટેમિના દવાના નામે કૌભાંડ: 3 કોલ સેન્ટર ઝડપાયા, 10 આરોપીની ધરપકડ

રાજકોટમાં સેક્સ સ્ટેમિના દવાના નામે કૌભાંડ: 3 કોલ સેન્ટર ઝડપાયા, 10 આરોપીની ધરપકડ

રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને આયુર્વેદિક દવાઓના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સેક્સ સ્ટેમિના વધારવાની દવાઓના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા ત્રણ ગેરકાયદે કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા છે અને 10 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા પર સેક્સ સ્ટેમિના વધારવાની આકર્ષક જાહેરાતો મૂકતા હતા. ગ્રાહકોને લલચાવવા માટે તેઓ દવા પર 50 ટકા સીધું ડિસ્કાઉન્ટ પણ આપતા હતા. જ્યારે કોઈ ગ્રાહક તેમની વેબસાઇટની મુલાકાત લેતો, ત્યારે તેઓ તેને અશ્લીલ સાહિત્ય મોકલીને દવા ખરીદવા માટે ઉશ્કેરતા. જો ગ્રાહકે દવા ખરીદવાનો ઇનકાર કર્યો, તો તેઓ તેને બ્લેકમેલ કરવા લાગતા. તેઓ ધમકી આપતા કે જો તે દવા નહીં લે તો તેના પરિવારજનોને તે અશ્લીલ સાહિત્ય જુએ છે તેમ કહી દેશે અથવા પોલીસ ફરિયાદની ડરામણી આપીને પૈસા પડાવતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 મહિનામાં આ ટોળકીએ અંદાજે 2000 નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી છે.

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ખોડીદાસ માકડીયા નામનો શખ્સ હોવાનું પોલીસે જણાવ્યું છે. તેણે પોતાના ઘરમાં જ ગેરકાયદે લેબ ઊભી કરી હતી. તેની પાસે કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તે નકલી ડૉક્ટર તરીકે લોકોને છેતરતો હતો. તેણે પગારદાર કર્મચારીઓ રાખીને સેક્સ સ્ટેમિના અને B-12 દવાઓના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યા હતા.

બાતમીના આધારે ભાયાવદર પોલીસે ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી એમ ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ સ્થળોએથી પોલીસે 18 લેપટોપ, 33 કી-બોર્ડ અને માઉસ, 23 મોબાઇલ ફોન અને 3 બ્રોડબેન્ડ રાઉટર મળીને કુલ રૂપિયા 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લેવા માટે સરકારી યોજનાઓના લોગોનો દુરુપયોગ પણ કર્યો હતો. તેઓ પોતાની નકલી વેબસાઇટ પર આયુષ મંત્રાલય, નેશનલ હેલ્થ ઓથોરિટી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)ના બનાવટી લોગો લગાવતા હતા, જેથી સામાન્ય લોકો તેને સરકારી માન્યતા પ્રાપ્ત દવા સમજીને ખરીદી લે.

પોલીસે ઝડપાયેલા આરોપીઓના બેંક ખાતા અને કોલ ડિટેઇલ્સના આધારે આખા નેટવર્કની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, રેકેટમાં સંડોવાયેલા અન્ય 5 ફરાર આરોપીઓ - હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત ભટ્ટ અને રાહુલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.