રાજકોટમાં ચાર દિવસની અંદર બીજી હત્યાની ઘટના સામે આવી છે. મોટા મવા વિસ્તારમાં એકલી રહેતી બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની લાશ તેના જ ઘરમાંથી મળી આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રોડ ક્રોસ કરતા એક સગીરને બોલેરોએ ટક્કર મારી હતી. આ ઘટનામાં સગીરનું મોઢું છુંદાયું હતું. તરફડિયા મારતા સગીરનો વીડિયો પણ સામે આવ્યો છે. સગીરને જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
Prime Minister નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને પણ વિરોધ જોવા મળ્યો હતો. NSUIના કાર્યકરોએ લો ગાર્ડન પાસે સૂત્રોચ્ચાર સાથે રેલી કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરતી કરી હતી. કાંકરિયા લેકફ્રન્ટ પર ત્રણ કિલોમીટરના વિસ્તારમાં સવા લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. PM મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં અમિત શાહે શર્મિષ્ઠા તળાવની આરતી ઉતારી હતી અને વડનગરથી વારાણસી સુધી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. મોદી પરિવારજનોએ GMERS સેવા કેમ્પમાં હાજરી આપી હતી.
અમદાવાદના જિમ લોન્જના માલિક સાથે તેમના જ બે કર્મચારીઓએ ઠગાઈ કરી હતી. માલિકની 10 હજાર રૂપિયામાં 10 વર્ષની મેમ્બરશિપની ઓફર આપીને 2500 ગ્રાહકો પાસેથી 1.66 કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી.
મહુડી મંદિરના કર્મચારીના દીકરાએ અમદાવાદના વેપારીને ચૂનો ચોપડ્યો હતો. મહારાજ સાહેબના નામે દાન માગીને 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. દાનની રકમ ગેમિંગમાં ઉડાવી દીધી હતી.
અમરેલી SD Pay કૌભાંડમાં સેમિનાર અને ઝૂમ મીટિંગ કરનારો આરોપી ઝડપાયો છે. કૌભાંડમાં વધુ 11 લોકોના નામ ખુલ્યા છે. પોલીસે ગુગલ ફોર્મ જાહેર કરીને ભોગ બનનારને સામે આવવા અપીલ કરી છે.
ધોરણ-10ની વિદ્યાર્થિનીના અપહરણ-દુષ્કર્મ કેસમાં ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી હર્ષિલ વિદ્યાર્થિનીને હરિયાણા લઈ ગયો હતો.
હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી કોરાધાકોર રહેલા દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ 24 ટકા વરસાદની ઘટ છે.