સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટની સરાઝા હોટલ પાર્ટીમાં દારૂ કોણ લાવ્યું? પોલીસ તપાસમાં ચિરાગ પટેલના પિતરાઈ ભાઈનું નામ ખૂલ્યું

રાજકોટની સરાઝા હોટલ પાર્ટીમાં દારૂ કોણ લાવ્યું? પોલીસ તપાસમાં ચિરાગ પટેલના પિતરાઈ ભાઈનું નામ ખૂલ્યું

રાજકોટની ચર્ચિત સરાઝા હોટલમાં યોજાયેલી પાર્ટીમાં દારૂ લાવવાના મુદ્દે પોલીસ તપાસમાં મહત્ત્વની વિગત બહાર આવી છે. માલવિયાનગર પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, પાર્ટીમાં પીરસવામાં આવેલો પરમિટવાળો દારૂ જન્મદિવસ ઉજવનાર ચિરાગ પટેલના પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ લાવ્યા હતા.

પોલીસે આ મામલે તપાસ ઝડપી બનાવી છે અને ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ, તેમના પિતરાઈ નિખિલ પટેલ તથા મેનેજર મનપ્રીતસિંહ સહિત આયોજકોના નિવેદનો નોંધ્યા છે. પાર્ટીમાં હોટલ પ્રશાસનની શું ભૂમિકા હતી તે અંગે પણ પોલીસે ઊંડી પૂછપરછ શરૂ કરી છે.

તપાસ અંગે પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને એફએસએલમાં મોકલ્યા છે. આ ફૂટેજના આધારે પાર્ટીમાં હાજર અન્ય લોકોની ઓળખ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાર્ટીનું આયોજન રાજકોટના જાણીતા બિલ્ડર ડેકોરા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસમાં પુષ્ટિ થઈ છે. હોટલના પાર્કિંગમાં ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર — GJ 03 LG 5222 અને GJ 03 QG 5222 — કેમેરામાં કેદ થઈ હતી. આ ઉપરાંત અન્ય જાણીતા બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓની કાર પણ પાર્કિંગમાં જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, પાર્ટીમાં અંદાજે 50 જેટલા નામાંકિત બિલ્ડરો, ઉદ્યોગકારો અને તબીબો તેમની પત્નીઓ સાથે હાજર હતા.

પોલીસે આપેલી વિગતો અનુસાર, પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકો હાજર હતા. ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળી સમયે હોવાથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસોમાં લોકો હાજરી આપી શકે નહીં તે માટે અગાઉથી પાર્ટી રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

દરોડા દરમિયાન પોલીસે હોટલમાં હાજર તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે. મેડિકલ તપાસના રિપોર્ટ બાદ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે સ્પષ્ટ થશે.