રાજકોટની સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યે LCB ઝોન-2ની ટીમને બાતમી મળી હતી. પોલીસે રેડ કરતાં બેન્કવેટ હોલમાં લગભગ 100x50 ફૂટના હોલમાં ડીજે અને સિંગર્સનું પર્ફોર્મન્સ ચાલુ હતું. U-આકારમાં 12 ટેબલ ગોઠવાયેલા હતા, જેની આસપાસ સ્ત્રી-પુરુષો બેઠા હતા. ટેબલ પર દારૂની ખાલી અને ભરેલી બોટલો તથા ગ્લાસ મળી આવ્યા હતા.
પોલીસને જોઈને લોકોમાં ભાગાભાગી થઈ, પરંતુ પોલીસે બધાને પોતાની જગ્યાએ બેસી રહેવા કહ્યું. મહિલાઓને એક બાજુ અને પુરુષોને બીજી બાજુ ઊભા રાખવામાં આવ્યા. પાર્ટીના આયોજક ચિરાગ અરવિંદ પટેલ (39)એ પોતાનું નામ જણાવ્યું અને પ્રોહિબિશન કલમ 120 હેઠળ સહી કરાવવામાં આવી. હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હર્ષવર્ધનસિંહ ચૌહાણ દારૂ ભરતા હતા અને તેમના મોંમાંથી દારૂની વાસ આવતી હતી. બેન્કવેટ હોલના મેનેજર મનપ્રીતસિંહ ધ્યાનસિંહ પાસેથી પણ દારૂની વાસ આવતી હતી. કુલ 33 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી, જેમણે કોલ્ડ્રિંક્સ અને મોકટેલ પીધાનું જણાવ્યું. બધાનું બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યું, પરંતુ પરિણામ નેગેટિવ આવતાં તબીબી રિપોર્ટ માટે રાજકોટ સિવિલ મોકલવામાં આવ્યા.
આ કેસમાં પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઊઠી રહ્યા છે. અમદાવાદમાં 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સાણંદ પાસેના ફાર્મહાઉસમાં યોજાયેલી દારૂ પાર્ટીમાં પોલીસે 22 ફોર-વ્હીલ સહિત 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે રાજકોટમાં કોઈની કાર જપ્ત કરવામાં આવી નથી અને હોટેલ સીલ કે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની નોટિસ પણ આપવામાં આવી નથી.
રાજકોટ જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોઈથી ભૂલ થઈ હોય તો માફ કરી શકાય, પરંતુ યુવાનોને વ્યસનમુક્ત કરવા પ્રયાસો થવા જોઈએ. તેમણે ઉમેર્યું કે, દ્વારકામાં સૌ પ્રથમ દારૂબંધી હતી અને વ્યસનોથી સમાજનો સર્વનાશ થાય છે. આ મામલે હોટેલ સીલ થઈ શકે એવું પણ તેમણે જણાવ્યું.