સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં 70% સસ્તા દરે લેબોરેટરી રિપોર્ટ, સદ્ભાવના ટ્રસ્ટની નવી સેવા

રાજકોટમાં 70% સસ્તા દરે લેબોરેટરી રિપોર્ટ, સદ્ભાવના ટ્રસ્ટની નવી સેવા

રાજકોટમાં સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા સામાન્ય લોકો માટે 70% સુધી સસ્તા દરે લેબોરેટરી રિપોર્ટની સેવા શરૂ કરવામાં આવી છે. 'નહીં નફો, નહીં નુકસાન'ના સિદ્ધાંત પર ચાલતી આ લેબમાં ડાયાબિટીસ, ડેંગ્યુ જેવા રિપોર્ટ્સ બજાર કિંમત કરતાં ઘણા ઓછા ભાવે ઉપલબ્ધ થશે. ઘરેથી સેમ્પલ કલેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી લોકોને મોંઘા મેડિકલ ખર્ચમાંથી રાહત મળે.

હાલમાં જ સુપ્રીમ કોર્ટે મોંઘી દવાઓ મુદ્દે સરકારને ટકોર કરી છે. મેડિકલમાં વસૂલાતી મોટી રકમથી સામાન્ય માણસ પરેશાન છે. ત્યારે રાજકોટની સેવાભાવી સંસ્થા સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

આવતીકાલ એટલે કે 2 ઓક્ટોબરથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આધુનિક લેબોરેટરીનો પ્રારંભ થઈ રહ્યો છે, જેના રિપોર્ટની કિંમત અન્ય ખાનગી લેબોરેટરી કરતાં અંદાજિત 70 ટકા ઓછી રહેશે. આ ટ્રસ્ટ પહેલેથી મેડિકલ સ્ટોર દ્વારા નહીં નફો-નહીં નુકસાનના ધોરણે સસ્તા ભાવે દવાઓનું વેચાણ કરે છે અને હવે આ જ ફોર્મ્યુલાથી લેબોરેટરીની પણ શરૂઆત કરી છે.

આ સેવામાં ઘરેથી રિપોર્ટ કલેક્શનની સુવિધા છે, એટલે કે દર્દી ઘરેથી ફોન કરે તો તેનું સેમ્પલ લઈને રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે. તમામ રિપોર્ટ આધુનિક મશીનરીથી કરવામાં આવશે જેથી ગુણવત્તા જળવાઈ રહે.

હાલમાં નક્કી કરાયેલા ભાવ નીચે મુજબ છે:

  • ડાયાબિટીસ પ્રોફાઇલ – 200 રૂપિયા
  • એડવાન્સ ડાયાબિટીસ પ્રોફાઇલ – 550 રૂપિયા
  • સીબીસી રિપોર્ટ – 70 રૂપિયા
  • બ્લડ ગ્રુપ – 35 રૂપિયા
  • મેલેરિયા – 100 રૂપિયા
  • ડેંગ્યુ – 200 રૂપિયા
  • લિપિડ પ્રોફાઇલ – 170 રૂપિયા
  • વિટામિન B12 – 350 રૂપિયા
  • વિટામિન D – 500 રૂપિયા
  • ફુલ બોડી ચેકઅપ – 400થી 3200 રૂપિયા

આ ઉપરાંત સમગ્ર બોડી ચેકઅપ માટે 400થી 3200 રૂપિયા સુધીના પેકેજ પણ ઉપલબ્ધ છે. હાલમાં મેડિકલ ક્ષેત્રે રિપોર્ટ આધારિત સારવાર થતી હોવાથી આ સુવિધાથી ગરીબ દર્દીઓને સીધો લાભ મળશે.