સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ: મટકીફોડ કાર્યક્રમમાં 17 લાખના બજેટ સામે 32 લાખ ચૂકવવાનો કોંગ્રેસનો આક્ષેપ, મેયરે નકાર્યો

રાજકોટ: મટકીફોડ કાર્યક્રમમાં 17 લાખના બજેટ સામે 32 લાખ ચૂકવવાનો કોંગ્રેસનો આક્ષેપ, મેયરે નકાર્યો

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આયોજિત મટકીફોડ કાર્યક્રમમાં આર્થિક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હેમાંગ વસાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને શાસક પક્ષ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ, મટકીફોડ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા 17 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ નિયમો વિરુદ્ધ જઈને કાર્યક્રમ પાછળ કુલ 32 લાખ રૂપિયાનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. તેમણે વધુમાં દાવો કર્યો કે આ કાર્યક્રમમાં માત્ર પેટીસના નાસ્તા પાછળ જ 15 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જે જાહેર જનતાના ટેક્સના નાણાંનો દુરુપયોગ છે. આ મામલે તેમણે નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરી છે.

બીજી તરફ, રાજકોટના મેયર નેહલ શુક્લએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે હેમાંગ વસાવડા આવા સવાલો વારંવાર કરતા રહે છે. મેયરે કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ આવી પ્રેસ કોન્ફરન્સ યોજતા જ રહે છે, જેથી તેમને શુભકામનાઓ.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 1498 મકાનોનું ડિમોલેશન કરાયું હતું અને કુલ 7 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3 દિવસ અને 8 ઝોનમાં ચાલેલા ડિમોલિશનનું બિલ ચર્ચામાં છે. ડિમોલેશન વખતે ફરજ પર હાજર કર્મચારીઓની ખાણીપીણીનું 27.20 લાખનું બિલ આવ્યું છે. ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ મુકાયું છે. 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ સરબતનો ઉપયોગ કરાયો હતો. તો પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ 20 લાખ રૂપિયા મુકાયું હતું.

ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉધારવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુકતરી અને બેનરો વિજીલન્સે કબ્જે કરવામાં આવ્યા છે.